Gujarat

ઈંધણને લઈ અફરાતફરીનો માહોલ, પેટ્રોલપંપો પર લાંબી લાઈનો લાગી

By GS TEAM
24 Mar 20261 min read
ઈંધણને લઈ અફરાતફરીનો માહોલ, પેટ્રોલપંપો પર લાંબી લાઈનો લાગી

- સવારથી જ લોકો કામ-ધંધા છોડી ટાંકી ફૂલ કરાવવા દોડયાં

- પેટ્રોલ-ડીઝલના એક ટકા પણ ઈસ્યુ નથી, સામાન્ય પુરવઠો શરૂ છે અને રહેશે, ખોટી અફવાઓમાં ભરમાવવું નહીં : જિલ્લા કલેક્ટર

ભાવનગર : રાજ્યના કેટલાક શહેરોમાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાની ફેલાયેલી અફવાઓના કારણે ભાવનગર જિલ્લામાં પણ ઈંધણને લઈ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શહેર-જિલ્લાના તમામ પેટ્રોલપંપો પર પેટ્રોલ-ડીઝલ પૂરાવવા માટે વાહનોની લાંબી-લાંબી લાઈનો જોવા મળી હતી.

પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂંટવા આવ્યાની અફવાઓ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થતા લોકો પોતાના કામ-ધંધા છોડી સવારથી જ ટાંકી ફૂલ કરાવવા દોડયાં હતા. જેના કારણે પેટ્રોલપંપો પર વાહનોની અસામાન્ય લાઈનો લાગી હતી. ઘણાં લોકો તો સ્ટોક કરવા માટે કેરબા લઈને પણ પેટ્રોલપંપો પર પહોંચ્યા હતા. પેટ્રોલ-ડીઝલની અફવાઓ બાબતે જિલ્લા કલેક્ટર ડો.મનીષ કુમાર બંસલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો કોઈપણ પ્રકારનો એક ટકા પણ ઈસ્યુ નથી, એકદમ સામાન્ય પુરવઠો શરૂ છે અને રહેશે પણ. જેથી નાગરિકોએ ખોટી અફવાઓથી ભરમાવવું નહીં અને પેટ્રોલપંપો પર લાંબી લાઈનો લગાવવી નહીં. રાજ્ય સરકારે પણ ઈંધણનો પૂરતો જથ્થો અને બફર સ્ટોક ઉપલબ્ધ હોય, પેટ્રોલપંપો પર લાંબી લાઈનો ન લગાવવા અને અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરી હતી.