Get The App

કોટન શર્ટ્સ-પેન્ટ્સ તથા મેનમેડ ફાઈબરની બેડશીટ્સ-પડદાની નિકાસ ૨૫ ટકા વધશે

બાંગલાદેશના નિકાસકારો સાથે હરિફાઈ કરવી સરળ બનશે, ચીનને હંફાવવા હજી મહેનત કરવી પડશે

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી અમદાવાદ,સુરતના નિકાસકારોને ફાયદો થશે

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
કોટન શર્ટ્સ-પેન્ટ્સ તથા મેનમેડ ફાઈબરની બેડશીટ્સ-પડદાની નિકાસ ૨૫ ટકા વધશે 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર

ભારત અને યુરોપિયન સંઘના દેશો વચ્ચે આજે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કરાર થતાં ગુજરાતમાંથી કોટન શર્ટ્સ અને પેન્ટ્સ સહિતના ગારમેન્ટની અને સુરતમાંથી મેનમેડ ફાઈબરમાંથી બનતી બેડશીટ્સ અને પડદા સહિતની હોમ ટેક્સટાઈલની નિકાસમાં વધારો થવાની શક્યતા ક્લોથ મૈન્યુફેક્ચરિંગ એસોસિયેશનના સૂત્રોનું કહેવું છે. અત્યારે ભારત અન ેયુરોપિયન સંઘ વચ્ચે ટેક્સટાઈલનો વેપાર અંદાજે ૨૬૩ અબજ ડોલરનો છે. તેમાંથી ભારતનો બિજનેસ માંડ આઠ અબજ ડૉલરનો છે. તેમાં અદાજે ૨૫ ટકાનો વધારો થવાની શક્યતા સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખનું કહેવું છે.

અમદાવાદના મસ્કતી કાપડ મહાજનના પ્રમુખનું કહેવું છે કે અમેરિકાએ ટેરિફનો ટંટો ઊભો કરીને ભારતના ટેક્સટાઈલની નિકાસ કરનારાઓને કફોડી સ્થિતિમાં મૂકી દઈને દરવાજો બંધ કરવાની કવાયત કરી છે. પરંતુ એક દરવાજો બંધ થાય ત્યારે બાર દરવાજા ખૂલે છે એ ન્યાયે યુરોપિયન સંઘ સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી કોટન ટેક્સટાઈલના પ્રોડક્ટ્સની નિકાસનો દરવાજો ખૂલી ગયો છે. ભારતના નિકાસકારોને એક સામટું ૨૭ દેશના બજારમાં ઓછી ડયૂટીએ એન્ટ્રી લેવાનો અવકાશ મળશે. પરિણામે નિકાસમાં બીજો બે અબજ ડૉલરનો વધારો થવાની સંભાવના રહેલી છે. અમદાવાદમાંથી કોટન ગારમેન્ટ્સની નિકાસ વધશે. જ્યારે સુરતમાંથી મેનમેડ ફાઈબરમાંથી બનતી અને કોટન મિશ્રિત બેડશીટ્સ અને પડદા સહિતની હોમ ટેક્સટાઈલની નિકાસમાં વધારો થશે. પુરુષોના ગારમેન્ટ્સમાં ખાસ કરીને કોટન શર્ટ્સ, પેન્ટ્સ અને ટી શર્ટ્સની નિકાસ થાય છે. 

યુરોપિય સંઘ સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે ભારતની ટેક્સટાઈલની નિકાસ પરની ૧૦ ટકા જેટલી ટેરિફ નીકળી જવાની શક્યતાથી ભારતના નિકાસકારો માટે બાંગલાદેશના એક્સપોર્ટર્સને મહાત કરવા શક્ય બની જશે. બાંગલાદેશના નિકાસકારો સાથે ભારતના ગારમેન્ટ ટેક્સટાઈના નિકાસકારો સીધી સ્પર્ધા કરવા સમર્થ થઈ જશે. પરતુ ચીન હજીય ભારત કરતાં સસ્તા દામે નિકાસ કરતું હોવાથી તેની સામે સ્પર્ધા કરવી પડશે. 

(બોક્સ)

નિકાસકારોએ યુરોપિયન સંઘના ચુસ્ત નિયંત્રણોનું પાલન કરવું પડશે

ટેક્સટાઈલ સેક્ટરના નિકાસકારોનું કહેવું છે કે ભારતના નિકાસકારોએ યુરોપિયન સંઘના દેશોના ચુસ્ત નિયંત્રણોની કસોટીમાંથી પાર ઉતરવું પડસે. પર્યાવરણને લગતા નિયંત્રણોનું ચુસ્ત પાલન કરવું પડશે. તેમ જ ચાઈલ્ડ લેબરને લગતા નિયંત્રણોનો ભંગ કરશે તો પણ તેમની નિકાસ અટકી પડવાની સંભાવના રહેલી છે. હેઝોર્ડસ કેમિકલ્સનો ઉપયોગ કરવાથી પણ દૂર રહેવું પડશે.તદુપરાંત કાર્બન ઉત્સર્જનના નિયમોનું પણ પાલન કરવું પડશે.