સુરતના યુવાનના મોતમાં એફ.એસ.એલ. રિપોર્ટની જોવાતી રાહ
આધાર કાર્ડના આધારે ઓળખ થતા પરિવારને જાણ કરવામાં આવી
વડોદરા,સુરતથી કામ ધંધા માટે નીકળેલા યુવક મૃત હાલતમાં ગેસ્ટ હાઉસમાંથી મળી આવ્યો હતો. મોતનું ચોક્કસ કારણ જાણવા એફ.એસ.એલ.ના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુરતના ઓલપાડમાં રહેતો ૩૧ વર્ષનો આશિષ દક્ષેશભાઇ પટેલ ( ઉં.વ.૩૧) કામ ધંધાની શોધ માટે સુરતથી વડોદરા આવ્યો હતો અને જેતલપુર વિસ્તારના નિલમ ગેસ્ટહાઉસમાં રોકાયો હતો. ગઇકાલે સવારથી તેણે દરવાજો ખોલ્યો નહીં હોવાથી ગેસ્ટ હાઉસના સ્ટાફને શંકા જતા તેઓએ બારીમાંથી જોતા આશિષ બેડ પર પડેલો હતો. સ્ટાફને અજુગતુ લાગતા પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડે અંદર જઇ તપાસ કરતા યુવક મૃત હાલતમાં હતો. પોલીસે તેની રૃમમાં ચેક કરતા કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહતી. તેની પાસેથી મળેલા આધાર કાર્ડના આધારે તેની ઓળખ થઇ હતી. પોલીસે તેના પરિવારનો સંપર્ક કરી બનાવની જાણ કરી હતી. તેમજ મૃતદેહ પી.એમ. માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. યુવકનું મોત હાર્ટ એટેક કે અન્ય કારણસર કુદરતી રીતે થયું હોવાની શંકા છે.