FIR નોંધવા તરફ આગળ વધતી તપાસ, FSL તેમજ ગેરીની મદદ
માર્ગ અને મકાન વિભાગ પાસેથી પણ પોલીસ દસ્તાવેજો મેળવશે ઃ બચાવ કામગીરી બાદ પોલીસ તપાસ ચાલુ
વડોદરા, પાદરા તા.૧૨ ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ પાદરા પોલીસ દ્વારા પણ તપાસ શરૃ કરવામાં આવી છે. અત્યાર સુધી પોલીસ દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી હતી અને હવે એફએસએલ તેમજ આરટીઓની મદદ લઇને તપાસ આગળ વધારવામાં આવી છે.
પોલીસ દ્વારા વિવિધ દૃષ્ટિકોણથી તપાસ કરવામાં આવશે. કોઈ અકસ્માત થયો, અને ટ્રક અંદર પડી તેમજ પડતી વેળા સ્પાન કે આર્ટિક્યુલેશનને નુકસાન કરતી ગઈ કે કેમ ? લોડેડ ટ્રક અને અન્ય વાહનો એક સ્થળે એકત્ર થવા સહિતની બાબતોની પણ તપાસ હાથ ધરાશે. આજે સવારે એફએસએલની ટીમે ફોરેન્સિક વાન સાથે ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું. આરટીઓની ટીમે પણ તપાસ કરી હતી.
મુખ્યમંત્રી દ્વારા રચાયેલી સમિતિ દ્વારા પણ તપાસ તેજ કરવામાં આવી છે. ગેરી સંસ્થાની ટીમ દ્વારા આજે બ્રિજના નમૂના લેવામાં આવ્યા હતા. આ સેમ્પલની લેબોરેટરીમાં તપાસ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે જે દિવસે ઘટના બની તે દિવસે જ પોલીસે એફએસએલ તેમજ આરટીઓને રિપોર્ટ કરતા બંનેની ટીમો દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરાઇ હતી. અત્યાર સુધી નદીમાંથી બચાવ કામગીરીને મહત્વ અપાતું હતું હવે તપાસ આગળ વધી રહી છે. ટેકનિકલ માટે માર્ગ અને મકાન વિભાગ પાસેથી વિગતો મેળવવામાં આવશે.