ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરીમાં વિવેકાનંદ હાઇટ્સના રહીશોનો મોરચો
વર્ષ-૨૦૨૪માં મકાનો ફાળવ્યા તો અગાઉના વેરા કેમ ભરીએ તેવા પ્રશ્નો ઉઠાવ્યા ઃ ટાવરોની લાઇટો બંધ રહેતી હોવાની ફરિયાદો
વડોદરા, તા.18 શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ સરકારી આવાસો સ્વામી વિવેકાનંદ હાઇટ્સના રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હોવાથી રહીશોનો મોરચો આજે ઇલોરાપાર્ક ખાતેની ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરીએ પહોંચ્યો હતો.
ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસે પહોંચેલી મહિલાઓ તેમજ અન્ય લોકોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનો અમને વર્ષ-૨૦૨૨માં ફાળવવાના હતાં પરંતુ તે સમયે ફાળવ્યા ન હતાં. આ અંગે અમે રજૂઆતો કરતા થોડા સમયમાં ફાળવવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી પરંતુ વર્ષ-૨૦૨૩માં પણ હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનો ફાળવ્યા ન હતાં. ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે કરેલા એગ્રીમેન્ટમાં પણ વર્ષ-૨૦૨૨માં મકાનો ફાળવી દેવાશે તેવો ઉલ્લેખ કર્યો હતો.
રહીશોએ જણાવ્યું હતું કે વર્ષ-૨૦૨૪માં મકાનો ફાળવ્યા ત્યારથી અમો વેરો ભરવાને પાત્ર થઇએ છીએ પરંતુ અમને બે વર્ષ પહેલાના વેરા બિલો પણ ફટકારવામાં આવ્યા છે. અમો રહેતા જ ન હતા તો પછી અમો વેરો કેમ ભરીએ. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે અમોને વીજળી અને પાણીની પારાવાર સમસ્યાઓ છે. પાંચ-પાંચ ટાવરોની લાઇટો બંધ થઇ જાય છે તેમ છતાં ફરિયાદો કોઇ સાંભળતું નથી, અમને લાઇટબિલ પણ કોમર્શિયલ દરનું અપાય છે. અમે જ્યારે હાઉસિંગ બોર્ડને રજૂઆત કરીએ તો તેઓ જીઇબી પર ઢોળે છે અને જીઇબીને રજૂઆત કરીએ તો તેઓ હાઉસિંગ બોર્ડને રજૂઆત કરો તેમ જણાવે છે.
રહીશોએ જણાવ્યું હતું કે પેનલ્ટી સરકાર દ્વારા માફ કરી દીધી છે જે પેનલ્ટીની રકમ પણ અમને પરત આપવામાં આવતી નથી. જેમણે સમયસર પૈસા ભર્યા નથી તેમને પેનલ્ટી ના અપાય તો બરાબર છે પરંતુ રકમ સમયસય ભરી હોય તે લાભાર્થીને તો પેનલ્ટીની રકમ પરત કરવી જોઇએ.