આજથી કર્મચારીઓને 65 કરોડનો પગાર અને 98 કરોડનું પેન્શન એડવાન્સ ચૂકવાશે

મોંઘવારી ભથ્થાંના વધારાની રકમનો પ્રથમ હપ્તો પણ મળશે : દિવાળી પહેલાં રાજકોટ જિલ્લાના કર્મચારીઓ અને પેન્શનરોને અંદાજે 175 કરોડ જેવી રકમ ચૂકવાતાં ખરીદીની બજારમાં રોનક જોવા મળશે
રાજકોટ, : દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે કેન્દ્રની માફક રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને વધારાના મોઘવારી ભથ્થાની પ્રથમ હપ્તાની રકમ એડવાન્સમાં ચૂકવવાનું જાહેર કર્યું છે. આવતીકાલ તા. 14થી ત્રણ દિવસથી રાજકોટ જિલ્લાનાં તમામ કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાના વધારા સાથે એડવાન્સ પગાર અને પેન્શનની રકમ સાથે કુલ રૂા. 175 કરોડ જેવી રકમનું ચૂકવણું શરૂ થશે. કર્મચારીઓના પગાર-પેન્શનની રકમ ચૂકવાતા દિવાળીની બજારોમાં ખરીદીમાં ચમક જોવા મળશે.
દિવાળીના તહેવારો આડે હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકો તહેવારો દર મિયાન ગૃહઉપયોગી ચીજવસ્તુઓ ખરીદી શકે તેમજ પરિવાર સાથે બહારગામ ફરવાનો આનંદ માણી શકે તે માટે ઓક્ટોબર માસનો પગાર એડવાન્સમાં ચૂકવી આપવાનું જાહેર કરવામાં આવતા રાજકોટ જિલ્લાના કર્મચારીઓને તિજોરી કચેરી દ્વારા રૂા. 65 કરોડ જેવી પગારની રકમ એડવાન્સમાં ચૂકવવામાં આવશે. એ જ રીતે પેન્શનર કચેરીના સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં 30,000 પેન્શનરોને ગત માસ દરમિયાન રૂા. 98 કરોડ જેવી રકમ પેન્શન પેટે ચૂકવવામાં આવી હતી. આ પેન્શન અને પગારમાં આ વખતે મોંઘવારી ભથ્થાની રકમનો ઉમેરો થશે. માત્ર રાજકોટ જિલ્લામાં પગાર અને પેન્શન પેટે રૂા. 175 કરોડ જેવી રકમની ચૂકવણી ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવતા સોના-ચાંદીના દાગીના અને નવા વાહનોની શુકનવંતી ખરીદી સાથે ઘરઉપયોગી ચીજોની ખરીદીમાં વધુ ચમક જોવા મળશે.