બાંગ્લાદેશથી પ.બંગાળ, હાવડા ,સુરત થઇ અમદાવાદ પહોંચ્યા હતા
વધુ મજૂરી મેળવવા માટે ભારતમાં આવ્યા હતા ઃ હજી બે દિવસ વધુ પૂછપરછ કરવામાં આવશે
પાદરાના ભોજ ગામેથી મળેલા બાંગ્લાદેશીઓની પૂછપરછ
વડોદરા, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામે આશરો લેવા માટે આવેલા ૩૦ શંકાસ્પદ બાંગ્લાદેશીઓને જિલ્લા પોલીસે ઝડપી પાડી તેઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તમામ બાંગ્લાદેશી પરિવાર અહીંયા વધારે મજૂરી મેળવવા માટે આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. તમામની હજી વધુ પૂછપરછ ચાલી રહી છે.
પાદરા તાલુકાના ભોજ ગામે કેટલાંક બાંગ્લાદેશી શખ્સો તાજેતરમાં જ આવ્યા છે અને આશરો લીધો છે તેવી માહિતી જિલ્લા પોલીસને મળી હતી.જેના પગલે જિલ્લા પોલીસનો કાફલો ગઇકાલે ભોજ ગામે ઉતરી પડયો હતો અને તપાસ હાથ ધરતાં ૬ પુરુષો, ૯ મહિલાઓ તેમજ ૧૯ બાળકો બાળકો મળ્યા હતાં. તેઓ પાસેથી દસ્તાવેજોની માંગણી કરતાં યોગ્ય દસ્તાવેજો મળ્યા ન હતાં. તેઓની પૂછપરછ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે, તમામ પરિવાર છેલ્લા કેટલાક વર્ષોથી રોજીરોટી માટે બાંગ્લાદેશના નારેલ જિલ્લામાંથી આવ્યા હતા. તમામ બાંગ્લાદેશીઓ એક જ જિલ્લાના વતની છે. તેઓ બાંગ્લાદેશથી પ.બંગાળ, હાવડા, સુરત થઇ અમદાવાદ પહોચ્યા હતા. કેટલાક પરિવારો બે વર્ષથી તો કેટલાક પરિવારો પાંચ વર્ષ પહેલા આવ્યા હતા. ચંડોળા તળાવની કામગીરીના પગલે તેઓ અમદાવાદ છોડી દીધું હતું. ભોજ ગામે તેમના એક સંબંધીની દીકરીનું લગ્ન થયું હોવાથી તેઓ આશરો લેવા માટે અહીયા આવ્યા હોવાનું જણાવ્યું હતું. હજી તેઓની પૂછપરછ વિવિધ એજન્સીઓ મારફતે કરવામાં આવશે. ત્યારબાદ તેઓને પરત બાંગ્લાદેશ મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.