બંધાણીમાંથી પેડલર બન્યો : યુવાન 8 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો
રાજકોટમાં ડ્રગ્સનું દૂષણ ચિંતાજનક રીતે વધી ગયું છે : સટ્ટાના કેસો કરવામાં ઉત્સાહી સ્થાનિક પોલીસ ડ્રગ્સના કેસો કરવામાં ઉદાસીન, SOGએ 3 દિવસમાં 3 કેસ કર્યાં
રાજકોટ, : શહેરમાં ડ્રગ્સનું દૂષણ ચિતાજનક રીતે વધી ગયું છે. ગત શનિવાર અને રવિવારે એસઓજીએ ગાંજાનો જથ્થો ઝડપી લીધા બાદ આજે ત્રીજા દિવસે સોમવારે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. એસઓજીના પીઆઈ એસ.એમ. જાડેજાએ મળેલી ચોક્કસ બાતમીના આધારે સોરઠીયાવાડી બગીચા પાસે ઉભેલા મનોજ રામદાસ દેસાણી (ઉ.વ.33, રહે. ખોડીયારનગર શેરી નં. 30, આજી વસાહત)ને અટકાવી જડતી લેતાં તેના કબજામાંથી 8.04 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિમત એસઓજીએ રૂ. 80,400 ગણી હતી. બે મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂ. 90,600 નો મુદ્દામાલ જપ્ત કરી
ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. એસઓજીને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મનોજ મજૂરી કામ કરે છે. તે ડ્રગ્સનો બંધાણી થઇ ગયો હતો. જેના ખર્ચા કાઢવા માટે પેડલર બની ગયો હતો. મેફેડ્રોન ડ્રગ્સ મુંબઇથી લઇ આવ્યાનું કહી રહ્યો છે. આ અગાઉ પણ બેથી ત્રણ ખેપ માર્યાનું કહી રહ્યો છે. જો કે એસઓજીને શંકા છે કે તે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો ધંધો કરી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી તે એસઓજીના રડારમાં હતો. આખરે આજે ઝડપાયો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં ડ્રગ્સનું દૂષણ ચિંતાજનક રીતે વધી ગયુ હોવા છતાં સ્થાનિક પોલીસ ડ્રગ્સના કેસો કરવામાં ઉદાસીન હોવાની છાપ ઉપસી રહી છે. મોટાભાગે એસઓજી જ ડ્રગ્સના કેસો કરે છે. આ સ્થિતિમાં ખૂણેખાંચરે બેઠેલા સટ્ટાખોરોને પકડી લેતી સ્થાનિક પોલીસને ડ્રગ્સના પેડલરો કેમ દેખાતા નથી તેવો સવાલ ઉઠયો છે