માંગરોળના યુવાને જમીન વેંચી મિત્રને પૈસા આપ્યા હતા : પૈસા પરત માંગતા મિત્રના પિતાએ ઢીકા પાટુનો માર મારી 'હવેથી પૈસા માંગીશ તો મારી નાખીશ' એવી ધમકી આપી
જૂનાગઢ, : માંગરોળના શાપુર રોડ પર રહેતા યુવાને તમાકુ-સોપારીના ધંધામાં રોકાણ કરવા માટે મિત્રને 1.24 કરોડ રૂપીયા આપ્યા હતા. બાદમાં નફો તો ઠીક પરંતુ આપેલી રકમ પણ પરત આપી ન હતી. યુવાને પૈસા પરત માંગતા મિત્રના પિતાએ ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ થતા માંગરોળ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
માંગરોળના શાપુર રોડ પર રહેતા અને એમબીએ સુધીનો અભ્યાસ કરનાર હનીફ હુસેન બેરા (ઉ.વ. 32) હાલ ખાનગી હોસ્પિટલમાં હિસાબનીશ તરીકે નોકરી કરે છે. તેના મિત્ર ઈરફાન ઈબ્રાહિમ જેઠવાને આઈ.જે. સેલ્સ નામની એજન્સી છે. 2022માં ઈરફાન જેઠવાએ હનીફ બેરાને 'તું મારા સોપારીના બિઝનેસમાં રોકાણ કર તો તને સારો એવો નફો આપીશ અને દર મહિને તેનો હિસાબ કરી આપીશ' તેમ કહ્યું હતું. હનીફ બેરાએ વિશ્વાસમાં આવી જઈ પોતાનો નાળિયેરીનો બગીચો ૪૩ લાખમાં વેંચી આ પૈસા ઈરફાનને આપી રોકાણ કર્યું હતું. આ સિવાય 9.70 લાખ રૂપીયા તા.7-11- અને 8-11-2022 ના ઓનલાઈન આપ્યા હતા. ત્યારબાદ ઈરફાને 'તું ધંધામાં હજુ પોણા કરોડ જેટલું રોકાણ કર તો તને સારો એવો નફો મળશે, થોડા મહિનામાં હું તને નફો અને મુડી પરત આપી દઈશ' આથી હનીફ બેરાએ તા. 16-10-205 ના યાર્ડ સામે આવેલી જમીન વેંચી તેના આવેલા ૭ર લાખ રૂપીયા તા. 16-3-2025 ના આપ્યા હતા. આમ કુલ હનીફ બેરાએ ઈરફાન જેઠવાને 1.24 કરોડ રૂપીયા તમાકુ તથા સોપારીના ધંધામાં રોકાણ માટે આપ્યા હતા. ત્યારબાદ ઈરફાન જેઠવાએ નફામાં કોઈ ભાગ આપ્યો ન હતો. હનીફ બેરાએ પૈસા પરત માંગતા ઈરફાને 'મારી પાસે પૈસા નથી થોડા સમયમાં નફો આપીશ, હાલ મારા રૂપીયા બ્લોક થઈ ગયા છે' તેવી વાત કરી હતી. અવાર-નવાર પૈસા માંગવા છતાં ઈરફાન તારીખો આપ્યા કરતો હતો.
બે-અઢી માસ પહેલા બપોરે હનીફ બેરા બાઈક લઈ જેતખમ રોડ પર જતો હતો ત્યારે ઈરફાનના પિતા ઈબ્રાહિમભાઈ જેઠવા મળતા તેને પૈસા અંગેની વાત કરી હતી અને તેનો દિકરો ઈરફાન પૈસા પરત આપતો ન હોય તેમ જણાવ્યું હતું. આથી ઈબ્રાહિમ જેઠવાએ ઉશ્કેરાઈ જઈ 'હવે પછી તું ક્યારેય મારા દિકરા ઈરફાન પાસે રૂપીયા માંગતો નહી, તારા રૂપીયા આપવા નથી, તારે જે કરવું હોય તે કરી લેજે' તેમ કહી ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી.
આ અંગે હનીફ હુસેન બેરાએ તેના મિત્ર ઈરફાન ઈબ્રાહિમ જેઠવા તથા તેના પિતા સામે ફરિયાદ કરતા માંગરોળ પોલીસે છેતરપિંડી તથા માર મારી ધમકી આપ્યા અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


