લુપ્ત થતી વનસ્પતિને બચાવવા માટે વિનામૂલ્યે બીજ પોસ્ટ અભિયાન

સિક્યુરિટી ગાર્ડની નોકરી સાથે પ્રકૃતિ જતનનું મહાઅભિયાન : વંદે વસુંધરા બીજ બેન્ક દ્વારા 7 વર્ષમાં 20,000થી વધુ લોકોને વિનામૂલ્યે બીજ વિતરણ કરવામાં આવ્યું
રાજકોટ, : ઉપલેટામાં રહેતા મહેશભાઈને જીવંતી ડોડી સહિત કેટલીક દુર્લભ વનસ્પતિઓના બીજની જરૂર હતી, જે તેમને મળતા નહોતા. તેમના ધ્યાનમાં વંદે વસુંધરા બીજ બેન્કનો નંબર આવ્યો. તેમણેે વોટ્સએપથી સંપર્ક કરીને બીજની જરૂરિયાત જણાવી. બે દિવસમાં જ તેમને જોઈતી દુર્લભ વનસ્પતિઓના બીજ કૂરિયર દ્વારા વિનામૂલ્યે ઘરે બેઠા મળી ગયા.
આ તો એક ઉદાહરણ છે, પણ ગુજરાત ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ફૌજીથી લઈને, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ સહિતના રાજ્યોના 20,000થી વધુ લોકો છેલ્લા સાત વર્ષમાં વંદે વસુંધરા બીજ બેન્ક થકી દુર્લભ વનસ્પતિઓના બીજ વિનામૂલ્યે ઘરે બેઠા મેળવીને વનસ્પતિઓનું સંવર્ધન કરી રહ્યા છે. અને, આ દુર્લભ કાર્ય શક્ય અને સરળ બન્યું છે રાજકોટના લોધિકા તાલુકાના બાલસરમાં રહેતા એક યુવક રાજેશભાઇ બારૈયાના પરિશ્રમ થકી. લુપ્ત થતી વનસ્પતિઓને બચાવવા અને તેના વિસ્તાર માટે 35 વર્ષીય રાજેશભાઇ બારૈયાએ બીજ પોસ્ટ અભિયાન છેડયું છે. આ માટે રાજેશભાઇ વર્ષ 2019માં જૂન માસથી વિનામૂલ્યે બીજ વિતરણ કરતી વંદે વસુંધરા બીજ બેન્ક શરૂ કરી છે. તેઓ મેટોડામાં એક કંપનીમાં સેફ્ટી સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.ે લોધિકાના બાલસર ગામ પાસે નાનકડા ભાડાના ફ્લેટમાં મકાનમાંથી પરિવાર સાથે પ્રકૃતિ જતનનું મહાઅભિયાન ચલાવી રહ્યા છે. . આ બીજબેન્કમાં હાલ 300 પ્રકારના બીજ છે. જેમાંથી 200 પ્રકારના બીજનું વિનામૂલ્યે વિતરણ કરે છે. સીતાફળ, વાંસ, અપરાજિતા, ટીમરૂ, ખેર, જીવંતી ડોડી, કાળી ડોડી, કૈલાસપતિ, કાળો ધતૂરો, અરલુ (ટેટુ-ભાગ્યે જ જોવા મળતી શિંગ), રૂખડો, નોળવેલ, વર્ષાડોડી સહિત અનેક પ્રકારના બીજ તેની પાસે મોજૂદ છે. સોશ્યલ મીડિયા પર કે વોટસ એપ પર કોઈ તેમનો સંપર્ક કરે, એટલે તે તુરંત બીજનું કવર મોકલી આપે છે.








