કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 1થી 7 ઓક્ટોબર સુધી બાળકોને ફ્રી પ્રવેશ, વન્ય પ્રાણી સપ્તાહના ભાગરૂપે આયોજન
Ahmedabad News : ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ-ગીર ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે 2 થી 8 ઓક્ટોબર દરમિયાન 'વન્યજીવ સપ્તાહ-2025' ઉજવવામાં આવનાર છે, ત્યારે અમદાવાદમાં આાગામી 7 ઓક્ટોબર સુધી બાળકો માટે કાંકરિયા સંગ્રહાલયમાં નિઃશુલ્ક પ્રવેશ અપાશે.
કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં બાળકોને નિઃશુલ્ક પ્રવેશ
વન્ય પ્રાણીના સપ્તાહની ઉજવણીના ભાગરૂપે 1થી 7 ઓક્ટોબર સુધી 12 વર્ષ સુધીના બાળકો માટે અમદાવાદના કાંકરિયા સંગ્રહાલયમાં સવારે 9થી 12 વાગ્યા સુધી મફતમાં પ્રવેશ આપવામાં આવશે. શહેરની તમામ શાળાના બાળકો પણ તેનો લાભ લઈ શકશે. દરવર્ષે મ્યુનિ, શાળાના બાળકો પણ પ્રવાસ કાર્યક્રમ યોજીને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા હોય છે.
આ પણ વાંચો: વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે, જાણી લો ડાયવર્ઝન રૂટ
મળતી માહિતી મુજબ, વન્ય પ્રાણી પ્રત્યે બાળકોમાં જ્ઞાન અને જાગૃતતા આવે તેને લઈને જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત વિવિધ ક્વીઝ, પોસ્ટ પ્રેઝન્ટેશન સહિતની વાઈલ્ડ લાઈફ લગતી પ્રવૃત્તિથી બાળકોમાં પર્યાવરણની સમજ પૂરી પાડવામાં આવશે. જેમાં પ્રાણી સંગ્રહાયલમાં દેશ-વિદેશના અનેક પશુ-પંખીઓ બાળકો નિહાળી શકશે. શહેરીજનોને પણ પોતાના બાળકો સાથે સંગ્રહાલયની મુલાકાતનો લાભ લેવાની તંત્રએ અપીલ કરવામાં આવી છે.