મ્યુનિ.શાળાના બાળકોને વિનામૂલ્યે કોચીંગ અપાશે , વસ્ત્રાલ સ્પોટર્સ કોમ્પલેકસ દસ વર્ષ માટે ભાડે ચલાવવા અપાયું

અમદાવાદ,બુધવાર,25 ફેબ્રુ,2026
અમદાવાદના વસ્ત્રાલ વોર્ડમાં ૪૫ હજાર ચોરસ મીટર જગ્યામાં રુપિયા
૬૧.૬૭ કરોડના ખર્ચે અદ્યતન સ્પોટર્સ કોમ્પલેકસ બનાવાયુ હતુ. આ કોમ્પલેકસ દસ વર્ષ
માટે સોફટ ટેનિસ એસોશિએશન ઓફ ગુજરાતને પી.પી.પી.ધોરણે ભાડે ચલાવવા માટે અપાયુ છે.
દર મહિને આ એસોશિએશન રુપિયા બે લાખ ભાડુ કોર્પોરેશનને ચૂકવશે.
કોર્પોરેશનના આ સ્પોટર્સ કોમ્પલેકસમાં સ્વિમિંગપુલ ઉપરાંત
જિમ્નેશિયમ, ટેબલ
ટેનિસ, ફૂટબોલ, એથ્લેટીકસ, માર્શલ આર્ટ,જુડો, કરાટે, યોગા, એરોબિકસ, બોકસિંગ,ફલોર એકસસાઈઝ, બેડમિંગ્ટન, બાસ્કેટબોલ અને
વોલીબોલ જેવી રમતો માટેની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામા આવી છે.રિક્રીએશન કમિટીના
ચેરમેન જયેશ ત્રિવેદીના કહેવા મુજબ,
આ સ્પોટર્સ કોમ્પલેકસ ચલાવવા માટે અલગ અલગ એસોશિએશન સાથે તંત્ર તરફથી મિટીંગ
કરી ઓફર મંગાવાઈ હતી.પરંતુ કોઈએ રસ બતાવ્યો નહતો.આ કારણથી મ્યુનિસિપલ કમિશનરે
ટેન્ડર પ્રક્રીયા કરવા સુચના આપી હતી.પહેલી વખત ટેન્ડર નીલ આવતા રી ટેન્ડર કરવામા
આવ્યુ હતુ.જેમાં સોફટ ટેનિસ એસોસિએશને માસિક બે લાખ ભાડુ આપવાની ઓફર કરી હતી.દસ
વર્ષ સુધી ઓપરેશન અને મેઈન્ટેનન્સ પણ એસોશિએશને કરવાનુ રહેશે.









