Get The App

FRC દ્વારા વડોદરાની વિબગ્યોર સ્કૂલને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
FRC દ્વારા વડોદરાની વિબગ્યોર સ્કૂલને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો 1 - image


Vadodara Vibgyor School : વડોદરા ઝોન એફઆરસીએ શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી વિબગ્યોર સ્કૂલને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારતા શૈક્ષણિક જગતમાં ખળભળાટ વ્યાપી ગયો છે.

વડોદરા ઝોન એફઆરસીના સભ્ય કૃણાલ બ્રહ્મભટ્ટે એક વાતચીતમાં કહ્યું હતું કે, આ સ્કૂલ દ્વારા એફઆરસીના નિયમોનું પાલન કરાઈ રહ્યું નથી.વાલીઓ દ્વારા સ્કૂલ સામે છેલ્લા કેટલાક મહિનાઓમાં સંખ્યાબંધ વખત વધારે ફી લેવાતી હોવાની રજૂઆત કરવામાં આવી છે.

તેમણે આગળ કહ્યું હતું કે, સ્કૂલને નોટિસ બોર્ડ પર એફઆરસીનો ફીનો ઓર્ડર નહીં મૂકવા બદલ એક લાખ રૂપિયા, એફઆરસીના નિયમ પ્રમાણે એક ક્વાર્ટરની જગ્યાએ બે ક્વાર્ટરની ફી વાલીઓ પાસેથી લેવા બદલ એક લાખ રૂપિયા, વાલીઓની ફરિયાદ બાદ ડીઈઓ કચેરી દ્વારા બનાવવામાં આવેલી તપાસ સમિતિને જરૂરી દસ્તાવેજો પૂરા નહીં પાડવા બદલ ત્રણ લાખ રૂપિયા અને એક જ કેમ્પસમાં પ્રી પ્રાઈમરી સ્કૂલ ચલાવવા માટે અને તેની ફી મંજૂર નહીં કરવા માટે પાંચ લાખ રૂપિયા એમ કુલ મળીને દસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્કૂલને પણ તેની સામે જવાબ આપવા માટે ત્રણ તક આપવામાં આવી હતી. સ્કૂલ સંચાલકો સંતોષકારક જવાબ રજૂ કરી શક્યા નથી.

તેમણે કહ્યું હતું કે, વડોદરાના ઈતિહાસમાં ક્યારેય કોઈ સ્કૂલને એફઆરસી દ્વારા આટલો દંડ ફટકારવામાં આવ્યો નથી. અન્ય સ્કૂલો પણ જો નીતિ નિયમોનું પાલન નહીં કરે તો તેમની સામે પણ કાર્યવાહી થશે. સાથે-સાથે વાલીઓ પણ જાગૃત બને અને જો સ્કૂલ દ્વારા વધારે ફી લેવાતી હોય તો એફઆરસીનો સંપર્ક કરે. એફઆરસી અને સરકાર વાલીઓના હિતને ધ્યાનમાં રાખીને જ કામગીરી કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વિબગ્યોર સ્કૂલને માર્ચ મહિનામાં ડીઈઓ કચેરીએ ત્રણ લાખ રૂપિયા દંડ ફટકાર્યો હતો. તેના પહેલા એફઆરસી દ્વારા 2024માં પણ વાલીઓ પાસેથી વધારે ફી લેવા બદલ બે લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો.

એફઆરસીના સભ્યોના જણાવ્યા પ્રમાણે સ્કૂલ સંચાલકો તેની સામે કોર્ટમાં ગયા છે. ઉપરાંત સ્કૂલે વચગાળાની ફી સામે વાંધો ઉઠાવ્યો હતો. એફઆરસીએ સ્કૂલને ફી નક્કી કરવાની સુનાવણી દરમિયાન હાજર રહેવા ત્રણ તક આપી હતી. જોકે સ્કૂલ સંચાલકોએ જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા નહોતા. હવે આગામી દિવસોમાં અમે સ્કૂલની અંતિમ ફી સ્કૂલના પ્રતિનધિ હાજર નહીં રહે તો પણ નક્કી કરી દઈશું.

ઉલ્લેખનીય છે કે, 2024-25ના વર્ષમાં સ્કૂલે ધો 1 થી 12માં 1.50 લાખ રૂપિયાથી માંડીને 2.10 લાખ રૂપિયા સુધીની ફીની માંગણી કરી હતી. જેની સામે એફઆરસીએ 85000 રૂપિયાથી માંડીને 1.78 લાખ રૂપિયાની વચગાળાની ફી નક્કી કરી હતી.

Tags :