Get The App

અમદાવાદના મંદિરમાં ભક્તિના બહાને છેતરપિંડી, શ્રદ્ધાળુ બનીને આવેલો શખસ 6 લાખનો હાર લઈ ફરાર

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના મંદિરમાં ભક્તિના બહાને છેતરપિંડી, શ્રદ્ધાળુ બનીને આવેલો શખસ 6 લાખનો હાર લઈ ફરાર 1 - image


Ahmedabad Crime:  અમદાવાદમાં છેતરપિંડીના કિસ્સા સતત વધી રહ્યા છે, ત્યારે હવે ગઠિયાઓએ ભગવાનના ઘર સમાન મંદિરને પણ બાકાત રાખ્યું નથી. અમદાવાદના વાસણા વિસ્તારમાં સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં એક શખ્સે માનતા પૂરી કરવાના બહાને મંદિરના વહીવટકર્તા સાથે લાખોની છેતરપિંડી આચરી છે.

મળતી માહિતી મુજબ, ગોપાલભાઈ નામના એક શખ્સે વાસણા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીનો સંપર્ક કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તેની દીકરીનું સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું હોવાથી તેણે ભગવાનને સોનાનો હાર ચઢાવવાની માનતા રાખી હતી. આ માનતા પૂરી કરવા માટે તેણે સોનાનો હાર જોવો પડશે તેમ કહી કોઠારી સ્વામીને વિશ્વાસમાં લીધા હતા.

આરોપી ગોપાલે કોઠારી સ્વામીને હારના પેમેન્ટ પેટે એક ચેક આપ્યો હતો. ચેક આપીને પૂરો વિશ્વાસ કેળવ્યા બાદ, તેણે હારનો નમૂનો જોવાનું બહાનું કાઢ્યું હતું. કોઠારી સ્વામીએ શ્રદ્ધાળુ સમજીને તેને 51 ગ્રામ વજનનો અને આશરે 6 લાખની કિંમતનો સોનાનો હાર જોવા માટે આપ્યો હતો.

હાર હાથમાં આવતાની સાથે જ તક જોઈને આરોપી ગોપાલ ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. થોડી વાર સુધી તે પરત ન આવતા અને તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતા કોઠારી સ્વામીને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

આ મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં ગોપાલ નામના શખ્સ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને મંદિરના CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.