પ્રદુષણ બોર્ડ પાસે મચ્છરદાની બનાવવાની મંજૂરી લઈ ડેનિમ વૉશિંગનું કામ ચાલુ કર્યું
એક જ યુનિટની પરવાનગી લઈને અનેક એકમ ચલાવતા હોવાની પણ ફરિયાદ થઈ, નોટિસ પણ અપાઈ
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર
વિજય ટેક્સટાઈલ પાસે માત્ર મચ્છરદાની બનાવવાની પ્રદુષણ બોર્ડની મંજૂરી હોવા છતાં તેના એકમમાં ડેનિમ વૉશિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. પચ્ચીસમી જાન્યુઆરી ૨૦૨૫ના જીપીસીબીના અધિકારીઓએ વિજય ટેક્સટાઈલની લીધેલી મુલાકાત દરમિયાન ગારમેન્ટ વૉશિંગનું કામ ચાલુ હોવાનું નોંધવામાં આવ્યું છે. ગારમેન્ટ વૉશિંગ માટે વપરાતા ૫ ટમ્બલર મશીન સક્રિય હોવાનું જોવા મળ્યું હતું. આ માટે પ્રદુષણ બોર્ડમાંથી તત્કાળ જરૃરી મંજૂરી મેળવી લેવા જણાવવામાં આવ્યું છે. તેમ જ એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વ્યવસ્થિત ચલાવવાની સૂચના પણ વિજય ટેક્સટાઈલના પ્રમોટર્સને આપવામાં આવી છે. મેટ માટેની મશીનરી વિજય ટેક્સટાઈલના એકમ નંબર ૧૪૬૬૨માં જોવા મળી જ નહોતી.
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં પણ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પાસે એક જ એકમ ચલાવવાની મંજૂરી લઈ લીધા બાદ એક જ જગ્યામાં અનેક એકમો ચલાવીને વ્યક્તિગત એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટને કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરીકે ચલાવીને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નિયમો અને નિયંત્રણોના લીરેલીરા ઊડાડવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે આ પ્રકારના એકમોને ક્લોઝરની નોટિસ આપી દેવામાં આવે છે, પરંતુ રહસ્યમય રીતે તેને નોટિસ આપીને અટકી ગયા છે.
જીપીસીબીના નિયંત્રણ હેઠળ એક જ એકમની મંજૂરી હેઠળ અનેક એકમ ચલાવી શકાતા નથી. દરેક એકમ માટે અને કેમિકલમાં તો દરેક કેમિકલના ઉત્પાદન અને ક્વોન્ટિટી વધારવા અને કલર બદલવા માટે અલગથી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પૂર્વ મંજૂરી લેવાનો નિયમ છે. પરંતુ ઇસનપુરમાં આ નિયમનો સરેઆમ ભંગ કરીને એક જ એકમમાં અનેક એકમ ચલાવવામાં આવી રહ્યા છે. અગાઉ નારોલમાં પણ જિન્દાલના એક જ યુનિટની જીપીસીબીની મંજૂરી વચ્ચે દસથી બાર એકમો એક જ એકમની જગ્યામાં ચલાવવામાં આવતા હોવાની બાબતનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ઇસનપુરમાં પણ આ પ્રકારના એકમો ચાલી રહ્યા છે. એક જ એકમમાં અન્ય બાર ભાડુઆત રાખીને અલગ અલગ કામ એક જ મંજૂરી હેઠળ કરાવવામાં આવી રહ્યા છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને આ અંગે ફરિયાદ પણ કરવામાં આવેલી છે. આ ફરિયાદના અનુસંધાનમાં યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપતો પત્ર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના યુનિટ હેડ જે.બી. પંડયાએ આપેલી જ છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે સ્થળ તપાસ કરીને ૧૧મી માર્ચ ૨૦૨૫ના કારણદર્શક નોટિસ પણ પાઠવી દીધી છે. ભાડાંના એકમ દૂર કરવાનો આદેશ કર્યો છે. પરંતુ આજ દિન સુધીમાં આ સંદર્ભમાં કોઈ પ્રગતિ ન થઈ હોવાના નિર્દેશ મળી રહ્યા છે.