પોસ્ટ ખાતામાંથી બે અધિકારી દ્વારા જ રૂ.7.99 લાખની ઠગાઇ
વડોદરા, 03, માર્ચ, 2022
વડોદરા નજીક આવેલી ભાયલી પોસ્ટ ઓફિસમાં માસિક આવક યોજનાના બંધ ખાતામાં ટેકનિકલ કારણોસર જમા રકમની પોસ્ટલ આસિસ્ટન્ટ તથા સબ પોસ્ટમાસ્ટરે બનાવટી સહી અને સોફ્ટવેરના ઉપયોગ વડે વ્યાજની રકમ ઉપાડી સરકારી નાણાંની 7.99 લાખની ઉચાપત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે.
વડોદરા વેસ્ટ પાદરા ખાતે નીતિનભાઈ પરમાર ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ ઓફિસ તરીકે ફરજ બજાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, પોસ્ટ ખાતાની બેન્કિંગ સેવાઓ માટે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. માઈગ્રેશન અગાઉ અને તે પછી તપાસ અર્થે સીસ્ટમ એડમીનની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહાર જણાઈ આવતા ઝીણવટ ભરી તપાસ આરંભી હતી. જેમાં અશોકભાઈ મણીભાઈ પટેલ ( રહે - સયાજી ટાઉનશીપ, આજવા રોડ) વર્ષ 2015 થી 2018 દરમિયાન ભાયલી સબ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. તેમજ બકુલચંદ્ર ભયલાલભાઈ સોલંકી ( રહે- પરબ ફળિયુ, સૈયદ વાસણા, વડોદરા)એ વર્ષ 2016થી વર્ષ 2019 સુધી ભાયલી સબ પોસ્ટમાસ્ટર તરીકે ફરજ બજાવી હતી.જ્યારે હસમુખભાઈ જયંતીભાઈ બારીયા ( રહે - પર્ણ કુટીર સોસાયટી, ગુરુકુળ ચાર રસ્તા)એ વર્ષ 2015થી વર્ષ 2015 સુધી રેસકોર્સ સબ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી હતી. તેઓના સમયગાળા દરમિયાન એકબીજાની મદદગારીથી ભાયલી પોસ્ટ ઓફિસમાં માસિક આવક યોજનાના બંધ થઈ ચૂકેલા ખાતાઓમાં ટેકનિકલ કારણોસર પડી રહેલા માસિક વ્યાજની રકમ નો ગેરલાભ લઇ નાણાની ઉચાપત કરી હોવાનું ખુલ્યું હતું. આમ, અશોકભાઈ ,બકુલભાઈ અને હસમુખભાઈએ ભેગા મળી કુલ 07,99,320 ની ઉચાપત કર્યાનું તપાસમાં ખુલ્યું છે. ખાતાકીય તપાસ દરમિયાન અશોકભાઈ તથા બકુલચંદ્ર પાસેથી રૂ 08,71,475 ની રકમ જમા લીધી જ્યારે હસમુખ બારીયાએ 70 હજાર પૈકી કોઈપણ પ્રકારની રકમ જમા કરાઈ નથી.