ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી આપવાના બહાને કંપનીમાં નોકરી કરતા ચાર કર્મચારીઓ પાસેથી 28 હજાર પડાવી લઇ ધમકી આપનાર સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મકરપુરા જશોદા કોલોનીમાં રહેતા પરેશભાઇ પૂનમભાઇ વસાવા મકરપુરા જી.આઇ.ડી.સી.ની કંપનીમાં નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું વધારે ભણેલો નહીં હોવાથી મેં ટુ વ્હિલરનું લાયસન્સ કઢાવ્યું નહતું. મારી સાથે વર્ષોથી નોકરી કરતા મુકેશભાઇ બારિયાએ મારી મુલાકાત વિશાલ પટેલ (રહે. મકરપુરા ગામ) સાથે કરાવી હતી. તેમણે કહ્યું હતું કે, જો તારે લાયસન્સ કઢાવવું હોય તો 7 હજાર રૂપિયા થશે. તેઓના કહ્યા મુજબ, મેં 7 હજાર તેઓને આપ્યા હતા. ઘણા દિવસો પછી મેં લાયસન્સ બાબતે તેઓને ફોન કરતા તેઓ રિસિવ કરતા નહોતા. ક્યારેક ફોન રિસિવ કરે તો હું રૂપિયાની પરત માગણી કરું ત્યારે તેઓ ધમકી આપતા હતા.વિશાલ પટેલે આ રીતે અમારી સાથે નોકરી કરતા (1) મુકેશ બારિયાના 10 હજાર (2) કમલેશભાઇ કોલીના 4 હજાર (3) હસમુખભાઇ પરમારના 7 હજાર તથા મારા 7 હજાર મળી કુલ 28 હજારની રકમ લઇ લીધી હતી.


