Get The App

દેશ-વિદેશમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાના નામે રૂા.2.46 કરોડની ઠગાઇ

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
દેશ-વિદેશમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાના નામે રૂા.2.46 કરોડની ઠગાઇ 1 - image

મોરબીમાં ઓફિસ ધરાવતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી સામે ફરિયાદ

રાજકોટની ખાનગી બેન્કમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો યુવાન ભોગ બન્યો, ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ

રાજકોટ: કોઠારીયા મેઇન રોડ પરના ગોકુલ પાર્ક શેરી નં. ૩માં રહેતા અને ગોંડલ રોડ પરની યસ બેન્કમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતાં રાજ ગોરધનભાઈ યાદવ (ઉ.વ.૨૭) સાથે દેશ-વિદેશમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરવાના નામે આરોપી હેનીલ હિતેશ રાઠોડ (રહે. કરણપરા શેરી નં. ૧૮)એ રૂા. ૨.૪૬ કરોડની ઠગાઇ કરી માથે જતા મારકૂટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં રાજે જણાવ્યું છે કે ૨૦૧૮માં મિત્ર દિંગેશ વાયા મારફત આરોપી સાથે પરિચય અને મિત્રતા થઇ હતી. ૨૦૨૨માં આરોપીએ તેને કહ્યું કે તેનો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો દેશ-વિદેશમાં ફેલાયેલો છે, મોરબીના શનાળા રોડ પર લેન્ડ માર્ક આર્કેડમાં તેની ઓફિસ છે, ધંધામાં બહુ નફો છે, હવે તેને રાજકોટમાં પણ ઓફિસ ખોલવી છે. જેમાં તેને રોકાણ કરવાનું કહ્યું હતું. 

ત્યાર પછી આરોપી તેને મોરબીમાં આવેલી તેની ઓફિસે લઇ ગયો હતો. તે વખતે આરોપીનો ધંધો સારો લાગતા ભાગીદારીમાં તેની સાથે ધંધો કરવા તૈયાર થઇ કટકે-કટકે  શરૂઆતમાં રૂા. ૧૦ લાખ આપ્યા હતાં. જેના બદલામાં તેને નફા તરીકે રૂા. દોઢેક લાખ આપ્યા હતાં. 

આ દરમિયાન આરોપી ધંધા માટે રૂપિયાની જરૂર છે તેમ કહે ત્યારે તેને રૂપિયા પણ મોકલી દેતો હતો. એક વખત તેણે પાર્ટનરશીપ ડીડ અને પ્રોફીટની વાત કરતાં આરોપીએ એગ્રીમેન્ટ થઇ ગયું છે, હવે માત્ર રજીસ્ટ્રેશન બાકી છે તેમ કહી દીધું હતું. તેના થોડા દિવસો બાદ વિદેશમાં પણ ટુર એન્ડ ટ્રાવેલ્સ ઓફિસ ખોલવાની વાત કરી હતી. જેથી આરોપી સાથે ૨૦૨૩ અને ૨૦૨૪ની સાલમાં દુબઇ અને બાલીમાં ઓફિસ જોઇ હતી. 

વિદેશમાં ધંધા માટે વધારે રૂપિયાની જરૂર પડશે તેમ કહેતા આરોપીને બેન્કો મારફત, ઓનલાઇન અને રોકડા મળી કુલ રૂા. ૧.૭૯ કરોડ આપ્યા હતાં. થોડા દિવસ બાદ તેને ઓપરેશન માટે પૈસાની જરૂર પડતાં આરોપીને કહ્યું હતું. તે વખતે આરોપીએ કહ્યું કે તમારા રૂપિયા બીજા ખર્ચાઓમાં મારાથી વપરાઇ ગયા છે, હાલ મારી પાસે એક પણ રૂપિયો નથી. એગ્રીમેન્ટ માગતા તેમાં સહી બાકી હોવાનું કહ્યું હતું. બીજા રૂપિયા આપે એટલે એગ્રીમેન્ટ કરી આપવાની વાત કરી હતી. જેથી માતાના દાગીના અને કાર પર લોન લઈને પણ રૂપિયા આપ્યા હતા. 

આ રીતે આરોપીને અત્યાર સુધીમાં રૂા. ૨.૪૬ કરોડ આપ્યા હતાં. ઉઘરાણી કરતાં આરોપી જુદા-જુદા બહાના બતાવતો હતો. તેના ફોન ઉપાડવાનું પણ બંધ કરી નાખ્યું હતું અને ઉઘરાણી કરવા જતાં ધાક-ધમકી આપતો હોવાથી આખરે ફરિયાદ નોંધાવી હતી. 

- મારે પોલીસમાં ઓળખાણ છે, ખોટા કેસમાં ફીટ કરાવી દઇશ

ફરિયાદ રાજ અને તેના પિતા આરોપીના ઘરે ઉઘરાણી માટે જતાં આરોપીએ થાય તે કરી લેવાની ધમકી આપી કહ્યું કે તું અને તારા મમ્મી-પપ્પા મરી જશો તો પણ હું તમારા રૂપિયા આપવાનો નથી, મારે પોલીસમાં ઘણી ઓળખાણ છે, તું મારું કાંઇ બગાડી નહીં શકે, હવે ઉઘરાણી કરવા આવીશ તો ખોટા કેસમાં ફીટ કરાવી દઇશ. આ પછી બેફામ ગાળો ભાંડી હતી. તેના પિતાને ધક્કો મારી ઘરની બહાર કાઢી મૂકી, હવે પછી રૂપિયા માંગવા આવ્યો છો તો હાથ-પગ ભાંગી નાખીશ, એકેયને જીવતા નહીં રહેવા દઉં તેવી પણ ધમકી આપતા 

- માતાના દાગીના ગીરવે મુકવા સાથે કાર પર લોન લઈ રૂપિયા આપ્યા

એગ્રીમેન્ટ સમય આરોપીએ વધુ રૂપિયા માંગતા રાજે પોતાની માતાના ૯ તોલાના દાગીના ગીરવે મૂકી રૂા. ૯ લાખ લઇ આરોપીને આપ્યા હતાં. ૨૦૨૪ની સાલમાં તેણે પોતાના નામે લોન કરાવી રૂા. ૧૪ લાખની કાર લીધી હતી. જે કારનો તે અને આરોપી ઉપયોગ કરતાં હતાં. ત્રણ-ચાર મહિના પછી આરોપી આહીર ચોકમાં રહેતા જીતુને ત્યાં કાર ગીરવે મુકી રૂા. ૫ લાખ લઇ આવ્યો હતો. અગાઉની રકમ પરત આપવા માટે આરોપી વધુ રૂપિયા માગતો હોવાથી કાર પર છ લાખની ટોપઅપ લોન કરી તે રકમ પણ આપી દીધી હતી.

- ઓનલાઈન ટ્રાન્જેક્શનના બહાને ક્રેડિટ કાર્ડ લઈ રૂા.૩૦ લાખ ઉપાડી લીધા

આરોપીએ રાજને કહ્યું કે હોટેલ, ટ્રાવેલની ટિકિટો વગેરેમાં ઓનલાઇન ટ્રાન્જેકશન કરવા ક્રેડીટ કાર્ડની જરૂર પડશે. જેથી તેણે પરિવારના સભ્યો, મિત્રો વગેરેના નામે અલગ-અલગ બેંકના ક્રેડીટ કાર્ડ લઇ આરોપીને આપી દીધા હતાં. આરોપીએ આ ક્રેડીટ કાર્ડના આધારે રૂા. ૩૦ લાખ ઉપાડી લીધા હતાં. જેથી બેન્કોએ તેની પાસેથી ઉઘરાણી શરૂ કરી હતી.