Get The App

ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા અપાવવાના બહાને ૧૮.૫૬ લાખની છેતરપિંડી

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા અપાવવાના બહાને ૧૮.૫૬ લાખની છેતરપિંડી 1 - image

સરગાસણનો યુવાન ભોગ બન્યો

અમદાવાદ અને સુરતના એજન્ટ સામે સીઆઈડી ક્રાઈમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગર નજીક સરગાસણમાં રહેતા યુવાનને ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને અમદાવાદ અને સુરતના એજન્ટ દ્વારા છેતરવામાં આવ્યો છે. રોકડ અને ઓનલાઈન મળીને ૧૮.૫૬ લાખ રૃપિયાની રકમ મેળવી લીધા બાદ કામ નહીં થતા સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હાલમાં વિદેશ મોકલવાના બહાને યુવાનો સાથે એજન્ટો દ્વારા લાખો કરોડો રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણમાં સ્વાગત ક્વીન્સલેન્ડ વસાહતમાં રહેતો યુવાન આકાશ હર્ષદકુમાર પટેલ પણ આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યો છે. અમદાવાદ વાપુર ખાતે કંપનીમાં ઓપરેશન મેનેજર ટેકનિકલ તરીકે કામ કરે છે ત્યારે તેના સાથી મિત્ર સુમન સુથાર મારફતે અમદાવાદના દક્ષ કૈલાસગીરી ગોસ્વામીનો સંપર્ક થયો હતો અને તેણે ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ કરી આપવાની વાત કરી હતી. જે માટે સંમતિ બતાવતા ફાઈલ ચાલુ કરવામાં આવી હતી. જેથી આકાશ દ્વારા તબક્કાવાર ચેકથી અને ઓનલાઇન ૧૮.૬૫ લાખ રૃપિયાની રકમ ચૂકવી દેવામાં આવી હતી. જોકે પૂરતા ડોક્યુમેન્ટ આપવા છતાં ન્યૂઝીલેન્ડનું કામ થયું ન હતું ત્યારબાદ દક્ષ ગોસ્વામીની સુરત સ્થિત આફિસ સંભાળતા ભાગીદાર આરોહી પટેલે જણાવ્યું કે ન્યૂઝીલેન્ડની પ્રક્રિયા આગળ વધી રહી નથી અને અગાઉ ચૂકવેલી રકમમાં જ આસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વીઝાની નવી ફાઇલ શરૃ કરી આપવાની આફર કરી હતી. આ માટે આકાશ દ્વારા જરૃરી ડોક્યુમેન્ટ પણ આપવામાં આવ્યા હતા. જોકે આ કામ પણ થયું ન હતું અને ત્યારબાદ દક્ષ ગોસ્વામીનો સંપર્ક કરતા તે ફોન ઉપાડતો ન હતો અને આરોહી પટેલ પણ જવાબ આપતી ન હતી. જેથી તેની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.