Gujarat

૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા

By GS TEAM
29 Mar 20262 mins read
૧૧૦  યુવકોને   રેલવેમાં નોકરી અપાવવાના બહાને  ૫૮.૯૮ લાખ પડાવી લીધા

વડોદરા, તા.29 રેલવેમાં નોકરી આપવાના બહાને દંતેશ્વરના ભેજાબાજે ૧૧૦ લોકો પાસેથી  કુલ ૫૮.૯૮ લાખ રૃપિયા પડાવી લીધા હતા. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

ડભોઇરોડ વૈષ્ણવ કુટિર સોસાયટીમાં રહેતા જીમ ટ્રેનર સુનિલ કામડીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારી બાજુમાં રહેતા ચિરંજીવભાઇ ખરાડી છેલ્લા ૧૬ વર્ષથી ડી.આર.એમ. ઓફિસ પ્રતાપનગર ખાતે વર્કશોપમાં નોકરી પર જતા હતા. નવેમ્બર - ૨૦૨૫ માં તેઓએ જણાવ્યું હતું કે,  આકાશ સંજયભાઇ ચૌહાણ (રહે. ચિરાયુનગર સોસાયટી, દંતેશ્વર) કોંકણ રેલવે કોર્પોરેશન લિ.નો કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર છે. હાલ  કોંકણ  રેલવે કોર્પોરેશન લિમિટેડના  કોન્ટ્રાક્ટમાં ભરતી છે. આકાશભાઇ ભરતી માટે માણસો શોધી રહ્યા છે. તમારે પણ કોન્ટ્રાક્ટમાં નોકરી કરવી હોય તો કહેજો.

હું ચિરંજીવભાઇના ઘરે આકાશને મળ્યો ત્યારે તેણે કહ્યું કે, વડોદરા પ્રતાપનગર ડી.આર.એમ.ની  ઓફિસ  પાસે આવેલા વર્કશોપમાં કોંકણ રેલવે કોર્પોરેશન લિ.માં નોકરી લાગવા માટેની ફી પેટે ૫૦ હજાર રૃપિયા કંપનીના કોન્ટ્રાક્ટર પવાર સાહેબ માગે છે. આકાશે આપેલા ક્યુ આર કોડ પર મેં ૩૦ હજાર ટ્રાન્સફર કર્યા હતા.૧૦ દિવસ પછી તેણે મને પ્રતાપનગર વર્કશોપમાં નોકરી માટે બોલાવતા હું ગયો  હતો. આકાશે અન્ય છોકરાઓ સાથે વર્કશોપમાં વિઝિટ કરવાનું કહ્યું હતું. વિઝિટ કર્યા પછી બપોરે ૧૨ વાગ્યે અમને ઘરે મોકલી દીધા હતા. મારા ઓળખીતા અન્ય છ લોકોને પણ આકાશે નોકરી લગાવ્યા હતા. તેના કુલ ૩.૦૫ લાખ ટ્રાન્સફર કર્યા હતા. અમે નોકરી પર જતા ત્યારે મારા જેવા અન્ય ૧૦૯ લોકો પણ નોકરી પર આવ્યા હતા. એક મહિના સુધી નોકરીએ ગયા પછી અમે આકાશને કહ્યું કે, અમને પગાર અને આઇ કાર્ડ  આપો. અમે અહીંયા આવીએ છીએ તો અમારી હાજરી કેમ કોઇ ભરતું નથી. તેણે એવો જવાબ આપ્યો હતો કે,અમારા સાહેબ રોજ કેમેરામાં જુવે છે. જેથી,તમારી હાજરની નોંધ થઇ જાય છે.