Vadodara : વર્ષ 2022 દરમિયાન ફરિયાદીના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી તરસાલી વિસ્તારની સાઇટ પલાસ હાઈટ્સ ખાતે ફ્લેટ નંબર સી-402 પર ફરિયાદીની બોગસ સહીઓ કરીને રૂ.21 લાખની હોમ લોન મેળવી છેતરપિંડી નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેતરપિંડી આચરવાના મામલે ગિરિરાજ ડેવલોપર્સના ભાગીદાર મૃણાલી શાહ (રહે. આધાર સોસાયટી, વાઘોડિયા રોડ) સામે કપુરાઇ પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો
ફરિયાદ મુજબ, શહેરના વાઘોડિયા રોડ ખાતે રહેતા નિકેશ મહેતાને વર્ષ 2022 દરમિયાન પોતાની પ્રોડક્ટ બનાવી અગરબત્તીનો વેપાર શરૂ કરવા માટે નાણાંની જરૂરિયાત ઊભી થતા લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ તેમણે પોતાના મિત્ર મિલાંત પટેલને આપ્યા હતા. મિલાંત પટેલે ધંધા માટે મૃણાલી શાહ લોન કરાવી આપશે તેમ જણાવ્યું હતું. મૃણાલી શાહના સંપર્ક બાદ નિકેશને જણાવવામાં આવ્યું હતું કે, તેમની દોઢ લાખની બે લોન બાકી દેખાય છે તે બંધ કરવી પડશે. ત્યારબાદ મૃણાલી શાહે દોઢ લાખનો ચેક આપ્યો હતો, જે બેંકમાં જમા કરાવી બંને લોનની ભરપાઈ કરવામાં આવી હતી. બાદમાં નિકેશને જાણ થઈ કે બેંક ઓફ બરોડા, રણોલી શાખામાંથી ધંધાકીય લોનના બદલે રૂ.22 લાખની હોમ લોન મંજૂર કરવામાં આવી છે.
આ બાબતે પૂછપરછ કરતા મૃણાલી શાહે જણાવ્યું હતું કે, તેને નાણાની જરૂરિયાત હોવાથી આ રકમ લીધી છે અને ત્રણ મહિનામાં હપ્તા ભરીને હોમ લોન પૂર્ણ કરી દેશે. બાદમાં દંતેશ્વર સબ-રજિસ્ટ્રાર કચેરીમાં તપાસ કરતા ખુલ્યું હતું કે, પલાસ હાઈટ્સના સી-402 ફ્લેટ બાબતે ફરિયાદી અને મૃણાલી વચ્ચે બાનાખત કરવામાં આવ્યું છે. આમ, ફરિયાદીના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી તેમના નામે રૂ.21 લાખની હોમ લોન કરાવી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
બેંક કર્મચારીઓની સંડોવણીની શંકા છતાં ફરિયાદમાં બાદબાકી
આ જ પ્રકારની ફરિયાદો અગાઉ પણ નોંધાઈ ચૂકી છે. પ્રાથમિક તપાસમાં લોન મંજૂર કરનાર બેંકના કર્મચારીઓની સીધી સંડોવણી હોવાની શંકા સ્પષ્ટ રીતે સામે આવી રહી છે. તેમ છતાં અગાઉની ફરિયાદોમાં બેંક અધિકારીઓને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા ન હતા. હાલ નોંધાયેલી આ ફરિયાદમાં પણ બેંક કર્મચારીઓના નામો આરોપી તરીકે સામેલ ન કરાતા પોલીસની કામગીરી અને તપાસની દિશા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે આ સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસની માગ ઉઠી રહી છે.


