તાંદલજાની જમીનમાં સમાધાન કરી રૃપિયા નહી ં ચૂકવી છેતરપિંડી
ખોટી સહી કરી કોર્ટમાં સમાધાનની વિડ્રો પુરસીસ રજૂ કરી દીધી
વડોદરા, તાંદલજાની જમીનમાં સમાધાન કરી નક્કી કરેલી રકમ પૂરેપૂરી નહીં ચૂકવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
રાવપુરા મચ્છીપીઠમાં રહેતા યુસુફ સિદ્દીકભાઇ શેખે ડીસીબી પોલીસ સ્ટેશનમાં (૧) આનંદરાવ છત્રસિંહ રાવ (રહે.વ્રજધામ સોસાયટી, જે.પી. રોડ) (૨) જીતેન્દ્ર ઉર્ફે જીતુ જશભાઇ પટેલ (રહે. પ્રમુખ હૃદય સોસાયટી, અટલાદરા) (૩) રફીક સિદ્દીકભાઇ શેખ (રહે. સેલ્ટર એપાર્ટમેન્ટ, વાસણા રોડ) (૪) શાનુ લિયાકતભાઇ શેખ (૫) અતિક લિયાકતઅલી શેખ ( બંને રહે. રિફાઇ પાર્ક, તાંદલજા રોડ) (૬) તલ્હાખાન સુલતાનખાન પઠાણ (૭) સુલતાન મહેબૂબખાન પઠાણ તથા (૮) અસદ સુલતાનખાન પઠાણ (ત્રણેય રહે.અલ રહેમાન ફ્લેટ્સ,મચ્છીપીઠ) સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આરોપીઓએ ભેગા મળીને તાંદલજાની ટાઇમ સ્ક્વેર વાળી જમીનમાં કોર્ટમાં દાખલ કરેલા દાવામાં મારી ખોટી સહીવાળી સમાધાન વિડ્રો પુરસીસ કોર્ટમાં રજૂ કરી હતી. મને વિશ્વાસમાં લઇ સમાધાન પેટે ૧૦ કરોડ આપવાનું કહી સમાધાન કરાર પર સહી કરાવી લઇ માત્ર ૨૦ લાખ આપી બાકીના ૯.૮૦ કરોડ આપ્યા નહતા. ઉલ્લેખનીય છે કે, યુુસુફ શેખ સામે અગાઉ જમીનની સંખ્યાબંધ ફરિયાદો થઇ હતી.