વડોદરા, તા. 01 ડિસેમ્બર 2021 બુધવાર
પિતાના અવસાન બાદ પુત્રએ પાર્ટનરશીપમાં માતા તથા બહેનનો હક્ક ડૂબાળી જાણ વગર માતાની તથા બહેનની ડુપ્લીકેટ સહીઓ વડે મકરપુરા જીઆઇડીસી ખાતે આવેલી કંપનીની તમામ મિલકતો પોતાના નામે કરી છેતરપિંડી આચરનાર પુત્ર વિરુદ્ધ માતાએ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અત્રે નોંધનીય છે કે, માતાએ આરટીઆઇમાં ખુલાસો માગતા સમગ્ર હકીકતનો પર્દાફાશ થયો હતો.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા 74 વર્ષીય સંધ્યાબેન પટેલના પતિ નારાયણભાઈએ વર્ષ 1972 દરમિયાન મકરપુરા જીઆઇડીસી પ્લોટ નંબર 131 ,132 અને 133 માં નૂતન એન્જિનિયરિંગ નામની કંપની શરૂ કરી હતી. જેમાં પિતા નારાયણ ભાઈએ પુત્ર બકુલભાઈને 1993માં કંપનીમાં 50 ટકા ભાગીદાર બનાવ્યા હતા .
બીજા દીકરા પરિમલભાઈ અલગ વ્યવસાય સાથે સંકળાયેલો છે અને દીકરી નુતનબેન કેનેડા ખાતે સ્થાયી થઈ છે. વર્ષ 2008 દરમિયાન નારાયણભાઈ પટેલ નું કેનેડા ખાતે અવસાન થયા બાદ કંપનીનો તમામ વહીવટ બકુલભાઈ સંભાળતા હતા. કંપનીમાં પિતાના અવસાન બાદ માતાનો 50 ટકાનો હિસ્સો હોવા છતાં માતાને દવા તથા સારવાર માટેના નાણા પુત્ર બકુલભાઈ આપતા ન હતા.
કંપનીના હિસાબ અંગે પણ ઉડાઉ જવાબો મળતા હતા. બકુલભાઈ પત્ની તથા બાળકો સાથે અલગ રહેવા ચાલ્યો જતા માતાની સંભાળ લીધી ન હતી. પુત્રની હરકતો ઉપર શંકા જતા માતા સંધ્યાબેનને આર.ટી.આઈ થકી જાણવા મળ્યું હતું કે, તેમના પતિએ ઊભી કરેલી મિલકત પતિના અવસાન બાદ કંપનીના પાર્ટનર તરીકે તેમનું પોતાનું તથા દીકરીનું નામ દાખલ કરવા બે સાક્ષીઓની હાજરીમાં સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી આપ્યું હતું. તેના બદલે બકુલભાઈએ કંપનીની તમામ મિલકત પોતાના નામે કરી જીઆઇડીસીની ઓફિસ ખાતે તેમના નામની ખોટી એન્ટ્રીઓ દર્શાવી સ્ટેમ્પ પેપર ઉપર પોતાના નામે મિલકત ચડાવી સંમતિ પત્રકમાં માતા સંધ્યાબેન તથા બહેન નૂતનબેનની ખોટી સહીઓ કરી હતી.
ઉપરોક્ત ફરિયાદના આધારે માંજલપુર પોલીસે બકુલભાઈ નારાયણભાઈ પટેલ તથા તેમની પત્ની ફેરફારની બેન બકુલભાઈ પટેલ ( બંને રહે - એન્ટીકાગ્રીનવુડ, અંકોડિયા રોડ, વડોદરા) વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.


