જામનગર નજીક દરેડમાં આવેલા કારખાનામાં તેના જ 3 કામદારોનો વિશ્વાસઘાત : દોઢ વર્ષમાં પોણા બે લાખનો ભંગાર ચોર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા એક કારખાનામાંથી પિત્તળના ભંગારની ચોરીનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કારખાનાના માલિકનો વિશ્વાસ જીતીને વર્ષોથી નોકરી કરતા ત્રણ કર્મચારીઓએ જ લાંબા સમય સુધી ચોરી આચરી હોવાની વિગતો સામે આવતાં ઉદ્યોગ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. સમગ્ર મામલે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ શંકરટેકરી ઉદ્યોગનગર સ્થિત "ગોપીનાથ મેટલ્સ" નામના કારખાનામાં છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરતા લાલો જાડેજા, સલીમ અને સિકંદર નામના કર્મચારીઓએ માલિકની જાણ બહાર દોઢ વર્ષથી વધુ સમય દરમિયાન પિત્તળના ભંગારની ચોરી કરી હતી. આરોપીઓ કારખાનાના દૈનિક કામકાજ દરમિયાન થોડો-થોડો ભંગાર અલગ કાઢી સંતાડી રાખતા અને તક મળતા કારખાનાની બહાર લઈ જતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
કારખાનાના માલિક જયેશભાઈ કાનજીભાઈ ડાંગરિયાને સ્ટોકમાં સતત ઘટ જણાતા શંકા ઉપજી હતી. ત્યારબાદ આંતરિક ચકાસણી અને હિસાબોની તપાસ કરવામાં આવતા ભંગારની મોટી માત્રા ગાયબ હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ કરતા ત્રણેય કર્મચારીઓની સંડોવણી બહાર આવી હતી.
ફરિયાદ અનુસાર આરોપીઓએ કુલ 977 કિલોગ્રામ જેટલો પિત્તળનો ભંગાર ચોરી કર્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂ.1,95,420 થાય છે. લાંબા સમયથી વિશ્વાસુ કર્મચારીઓ તરીકે ફરજ બજાવતા આરોપીઓએ જ એકસંપ કરીને ચોરી આચરી હોવાની હકીકત સામે આવતાં કારખાનાના સંચાલકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.
આ મામલે સીટી-સી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચોરાયેલો ભંગાર કોને વેચવામાં આવ્યો, કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી હતી અને તેમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ, તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે, જ્યારે અન્ય કામદારોની પૂછપરછ કરીને સમગ્ર ચોરીના રેકેટની કડીઓ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.








