લોટરીમાં કાર લાગી હોવાની લાલચ આપી ગૃહિણી સાથે છેતરપિંડી
Image Source: Freepik
- મોબાઇલ નબર અને એકાઉન્ટ નંબરના આધારે સાયબર સેલ દ્વારા તપાસ શરૂ
વડોદરા, તા. 10 ડિસેમ્બર 2023, રવિવાર
તમે ઓનલાઇન શોપિંગ કરી હતી. તેમાં તમને લોટરીમાં કાર લાગી છે. તેવું કહીને ગૃહિણી પાસેથી 3.93 લાખ પડાવી લેનાર ગઠિયાઓની સાયબર સેલની ટીમે શોધખોળ હાથ ધરી છે.
આજવારોડ પર રહેતા ધારાબેને સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ દરજી કામ કરે છે અને હું ઘરે બેઠા ગુંથણ કામ કરૂં છું. આજવા રોડની એક્સિસ બેન્કમાં મારૂં એકાઉન્ટ છે. મે- 2023માં મેં મીશો કંપની ઓનલાઇન એપ પરથી ઓર્ડર કર્યો હતો. જે ડિલીવર થઇ ગયા પછી ગત તા.10મી જૂને મારા મોબાઇલ નંબર પર એક વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ મને કહ્યું કે,,હું મીશો કંપનીમાંથી વાત કરૂં છું. તમે ગયા મહિને ઓર્ડર કર્યો હતો. તેના પર લોટરી લાગી છે. તમને કાર ઇનામમાં મળશે. જો તમને કારની જગ્યાએ રોકડા રૂપિયા લેવા હોય તો 7.02 લાખ મળશે. મેં હા પાડતા તેણે મને રમેશ વર્માના નામનું આધાર કાર્ડ, પાન કાર્ડ તથા મીશો કંપનીનું કાર્ડ મોકલ્યું હતું.
ત્યારબાદ તેણે મને કહ્યું કે, તમારે જે ઇનામ લાગ્યું છે તેના માટે તમારે એક ફોર્મ તેમજ રોકડા 1,250 ભરવા પડશે. તેણે મોકલેલા ગૂગલ પે એકાઉન્ટમાં મેં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેણે ફોર્મ સબમિશન, જીએસટી, બેન્કિંસ ટેક્સ, સીએમ ચાર્જ, મીડિયા ચાર્જ તથા બીજા ટેક્સ પેટે રૂપિયા માંગતા મેં આપ્યા હતા. મેં તેઓને કુલ 3.93 લાખ ચૂકવ્યા હતા. મારી પાસેથી રૂપિયા પડાવી છેતરપિંડી કરી હતી. સાયબર સેલે મોબાઇલ નંબર અને એકાઉન્ટ નંબરના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.