ચોથા વર્ગના હંગામી કર્મચારીઓ વીજળીક હડતાલ પર ઉતરી ગયા
ગયા મહિનાનો પણ પગાર હજી સુધી થયો નથી
વડોદરા,સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ચોથા વર્ગના હંગામી કર્મચારીઓ પગારના મુદ્દે આજે સવારે વીજળીક હડતાલ પર ઉતરી પડયા હતા. જેના પગલે તંત્ર દોડતું થઈ ગયું હતું.
સયાજી હોસ્પિટલમાં ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફને કાયમ મદદરૃપ થતા ચોથા વર્ગના હંગામી કર્મચારીઓને ગયા મહિનાનો પગાર હજી સુધી મળ્યો નથી. કર્માચારીઓનું કહેવું છે કે, વારંવાર રજૂઆત કરવા છતાંય દર મહિને તેમનો પગાર મોડો થાય છે. જેના કારણે લોનના હપ્તાના ચેક બાઉન્સ થાય છે. તેમજ ઘર ચલાવવામાં પણ તકલીફ પડતી હોય છે. સયાજી હોસ્પિટલમાં ત્રણ શિફ્ટમાં થઈને અંદાજે ૫૦૦ મહિલા અને પુરૃષો ફરજ બજાવે છે. ખાનગી એજન્સી રજસ એન્ટરપ્રાઇઝને પણ રજૂઆત કરવા છતાંય તેમની તકલીફોનું નિરાકરણ આવ્યું નથી. જેના પગલે તેઓ આજે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસની બહાર ભેગા થયા હતા અને વિરોધ પ્રદશત કર્યો હતો. વધુમાં તેઓનું કહેવું છે કે , જ્યાં સુધી અમારો પગાર નહીં થાય ત્યાં સુધી અમે ફરજ પર હાજર થઈએ નહીં. અમને પણ આવું કરવાનું ગમતું નથી. પરંતુ જ્યારે તંત્ર અમારી રજૂઆત સાંભળતું ન હોય ત્યારે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો નહતો.