Gujarat

આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન પાસેના હેલ્પ લાઈન બોર્ડ પર ચાર વર્ષ જૂના નંબર

By GS TEAM
20 Dec 20251 min read
આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન પાસેના હેલ્પ લાઈન બોર્ડ પર  ચાર વર્ષ જૂના નંબર

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં સુરક્ષા વ્યવસ્થા એક મજાક બનીને રહી ગઈ છે.આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન પાસે થયેલી મારામારી, તાજેતરમાં સાયન્સની કેન્ટીનમાં વિદ્યાર્થિનીની જાહેરમાં છેડતી પછી પણ યુનિવર્સિટીના સત્તાધીશોના પેટનું પાણી હાલી રહ્યું નથી.

સિક્યુરિટીના નામે ખર્ચાતા કરોડો રુપિયા હવે કોના ખિસ્સામાં જઈ રહ્યા છે તેની તપાસ કરવાની જરુર છે.સુરક્ષા વ્યવસ્થા કેટલી હદે કથળેલી છે તેનો અંદાજ  આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન પાસે સોશ્યોલોજી વિભાગ પર મારેલા હેલ્પ લાઈનના બોર્ડ પરથી આવે છે.

ચાર વર્ષ પહેલા આ બોર્ડ મારવામાં આવ્યું હતું અને તેના પર તે સમયના સિક્યુરિટી ઓફિસર, સિક્યુરિટી ઓએસડી તથા સિક્યુરિટી સુપરવાઈઝરના ફોન નંબર લખવામાં આવ્યા હતા.જેથી કોઈ વિદ્યાર્થીને મદદ જોઈતી હોય તો ફોન કરી શકે.

આ ત્રણે વ્યક્તિઓ હવે યુનિવર્સિટીમાં નોકરી નથી કરી રહ્યા.આમ છતા આ બોર્ડ પરના નામ બદલવાની કે બોર્ડ હટાવવાની તસ્દી પણ સત્તાધીશોએ લીધી નથી.તેમની જગ્યાએ આવેલા સિક્યુરિટી ઓફિસર પણ બે મહિના પહેલા નોકરી છોડી ગયા છે અને આ જગ્યા ભરવાની પણ તસ્દી લેવામાં આવી નથી.