રતનપુરની લેબર કોલોનીમાં પરિવાર રહેતો
ગાંધીનગર અને ગિફ્ટ સિટી ફાયર બ્રિગેડ દ્વારા મહામુસીબતે બહાર કાઢી સારવાર માટે ખસેડાયો પણ જીવ બચ્યો નહીં
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ગિફ્ટ સિટીના ફાયર સ્ટેશનની પાછળ રતનપુર ખાતે આવેલી લેબર કોલોનીમાં રહેતું ચાર વર્ષીય બાળક આજે સાંજે ખુલ્લી ગટરમાં પડી જતા ગિફ્ટ સિટી અને ગાંધીનગર ફાયરબ્રિગેડ દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યું હતું. જોકે તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યું હતું પરંતુ આ બાળકનો જીવ બચી શક્યો ન હતો.
ગાંધીનગર શહેર નજીક આવેલી ગિફ્ટ સિટીમાં કામ કરતા મજૂરો ગિફ્ટ સિટીના ફાયર બ્રિગેડની પાછળ રતનપુર ગામની સીમમાં બનાવવામાં આવેલી લેબર કોલોનીમાં રહેતા હોય છે. જ્યાં પર પ્રાંતમાંથી મોટી સંખ્યામાં આ મજૂરો તેમના પરિવાર સાથે વસવાટ કરે છે. અહીં રહેતા મૂળ ઝારખંડના પરિવારનું ચાર વર્ષીય બાળક પ્રિયાંશ રાજકુમાર રામ આજે સાંજના સમયે રમતા રમતા અહીં આવેલી ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ બાળક ઊંડી જગ્યામાં પહોંચ્યું હોવાથી તેને બચાવી શકાયું નહોતું. જેથી આ ઘટના અંગે ગાંધીનગર ફાયર બ્રિગેડ અને ગિફ્ટ સિટીની ફાયર બિગેડને જાણ કરવામાં આવતા બંને ટીમો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. જ્યાં ફાયર જવાનને આ ખુલ્લી ગટરમાં નીચે ઉતારવામાં આવ્યો હતો અને મહામુસીબતે આ બાળકને બહાર કાઢીને તેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ સીપીઆર આપી બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સારવાર માટે તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. આ ઘટનાની જાણ થતા ડભોડા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માતે મોત દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.


