ચારેય આતંકીઓ દેશમાં મોટા હુમલાને અંજામ આપવાનું કાવતરૂ ઘડતા હતા
અલ-કાયદા મોડયુલમાં ઝડપાયેલા આતંકીઓની પુછપરછમાં મોટો ખુલાસો
આતંકીઓની ચેટમાં એટીએસને અનેક ચોંકાવનારી વિગતો મળી આતંકી હુમલા બાદ ભારતમાં નાસી જવાની ફિરાકમાં પણ હતા
અમદાવાદ,ગુરૂવાર
ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવેલા ચાર આતંકીઓની પુછપરછ અને તેમની પાસેથી મળી આવેલા પુરાવાની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આતંકીઓ અલ-કાયદાના મોડયુલને અનુસરીને જેહાદના ભાગરૂપે દેશમાં મોટી આતંકી પ્રવૃતિ કરવાનું કાવતરૂ ઘડવા માટે ચર્ચા કરતા હતા અને ત્યારબાદ ભારત છોડીને નાસી જવાના હતા. આ માટે નોઇડામાં રહેતો ઝીશાન તેમને મદદ કરવાનો હતો. તેમજ નોઇડામાં જિસાને હથિયાર ખરીદી કર્યા હતા. તેમજ સેન્ટ્રલ એજન્સીઓથી બચવા માટે ઇન્સ્ટાગ્રામ પરથી કોલ કરતા હતા. જેથી તેમને ટ્રેક ન કરી શકાય. આ અનુસંધાનમાં રિમાન્ડ દરમિયાન વધુ ચોકાવનારા ખુલાસા થવાની શક્યતા એટીએસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ઇન્સ્ટાગ્રામ પર આઇડી બનાવીને દેશમાં અલ-કાયદાના મોડયુલ મુજબ આતંકી પ્રવૃતિ કરતા તેમજ યુવાનોને ઉશ્કેરણી કરવાના આરોપસર ઝડપાયેલા ફરદીન શેખ, સેફુલ્લા કુરેશી, મોહંમદ ફૈક અને ઝીશાન નામના આતંકીઓની પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ચારેય આતંકીઓની સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પરની ચેટમાં જાણવા મળ્યું હતું કે ચારેય જણા સાથે મળીને દેશમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માંગતા હતા. સાથેસાથે મોટી ઘટનાને અજામ આપ્યા બાદ ભારત છોડીને નાસી જવાની ફિરાકમાં પણ હતા. અમદાવાદના જુહાપુરામાં રહેતો ફરદીન શેખ અને નોઇડામાં રહેતો ઝિશાન ખુદ પોતાની જાતે આતંકી હુમલો કરવા માટે તૈયાર હતા અને મોહંમદ ફૈક તેમજ સેફુલ્લા કુરેશી અન્ય યુવાનોને ઉશ્કેરણી કરીને કટ્ટરવાદી બનાવવાની તેમના દ્વારા મોટાપાયે આતંકી હુમલા માટે પણ ચર્ચા કરતા હતા.
તેમની દેશવિરોધી પ્રવૃતિને અંગે ચર્ચા કરવા માટે ઇન્સ્ટાગ્રામ થી વિડીયો કોલ તેમજ ચેટ પણ કરતા હતા. સાથેસાથે ચેટને ઓટો ડીલીટ મોડમાં રાખતા હતા. જેથી કોઇ એજન્સી તેમના સુધી પહોંચી ન શકે. આ સાથે રિમાન્ડ બાદ અન્ય તપાસ એજન્સીઓ પણ આતંકીઓ પુછપરછ કરશે.