Gujarat

વડોદરામાં વરસાદ બાદ ગરમીનો પ્રકોપ: બે દિવસમાં ચારના શંકાસ્પદ મોત, ગભરામણના કિસ્સા વધ્યા

By GS TEAM
18 Sep 20252 mins read
TukuTouch Logo
વડોદરા શહેરમાં બે દિવસના વરસાદી વિરામ બાદ અચાનક ગરમી અને બફારાએ હાહાકાર મચાવ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જેના પગલે ગભરામણ અને બેભાન થવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં ગરમી સંબંધિત કારણોસર ચાર વ્યક્તિઓના મોત થયાની આશંકા સેવાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વરસાદ બાદ ગરમીનો પ્રકોપ: બે દિવસમાં ચારના શંકાસ્પદ મોત, ગભરામણના કિસ્સા વધ્યા

Vadodara Heatwave: વડોદરા શહેરમાં બે દિવસના વરસાદી વિરામ બાદ અચાનક ગરમી અને બફારાએ હાહાકાર મચાવ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જેના પગલે ગભરામણ અને બેભાન થવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં ગરમી સંબંધિત કારણોસર ચાર વ્યક્તિઓના મોત થયાની આશંકા સેવાઈ રહી છે.

મળતી માહિતી મુજબ, માંજલપુર વિસ્તારમાં રહેતા પ્રવિણભાઈ પરમાર અને વેમાલી ગામના મયુરભાઈ પટેલનું ગભરામણ થવાથી અચાનક મૃત્યુ થયું હતું. બંને કિસ્સાઓમાં, પ્રાથમિક તપાસમાં ગરમીના કારણે જ મોત થયું હોવાનું પોલીસ માની રહી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, બંને વ્યક્તિઓને અચાનક ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ શરુ થઈ હતી, અને હૉસ્પિટલ લઈ જતાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. 

વડોદરા નજીક વેમાલીમાં રામા સ્કાય સોસાયટીમાં રહેતા મૂળ અમદાવાદના મયુર રમેશચન્દ્ર પટેલ (ઉ.વ.52) લિફ્ટમાં બેસી નીચે જતા હતા. ત્યારે લિફ્ટમાં જ અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદ બેભાન થઈ જતાં તેમને સારવાર માટે ખાનગી હૉસ્પિટલ અને બાદમાં સયાજી હૉસ્પિટલમાં ખસેડતા તેમનું મોત થયું હતું.

અન્ય બનાવમાં માંજલપુર જીઆઇડીસી વિસ્તારમાં ગંગાબાનગરમાં રહેતા પ્રવિણ દેવજીભાઈ પરમાર(ઉ.વ.67)ને ઘેર ગભરામણ થતાં તેમને સારવાર માટે સયાજી હૉસ્પિટલમાં લઈ જતા તેમનું મોત થયું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. 

આ ઉપરાંત, શહેરના અન્ય વિસ્તારોમાંથી પણ ગરમીની અસરના કિસ્સાઓ સામે આવ્યા છે. સમા વિસ્તારના 40 વર્ષીય અશોક દેવીપૂજક અને અલકાપુરી વિસ્તારના ટીકા દેવાભાઈને પણ ગભરામણની ફરિયાદ બાદ તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે, બે દિવસ અગાઉ પણ શહેરમાંથી બેભાન અવસ્થામાં મળેલા ત્રણ અજાણ્યા વ્યક્તિઓમાંથી બેના સારવાર દરમિયાન મોત થયા હતા. આ તમામ ઘટનાઓ પાછળ આકરી ગરમી અને ભેજવાળું વાતાવરણ જવાબદાર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

શહેરના સયાજી અને ગોત્રી હૉસ્પિટલમાં પણ હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તબીબો દ્વારા નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, પુષ્કળ પ્રમાણમાં પાણી અને પ્રવાહીનું સેવન કરવા તથા સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ તકલીફ જણાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.