છાણી ટીપી 13માં કોઈપણ મંજૂરી વિના ચાર દુકાનો ઊભી કરી નાખી
આ દબાણો તાત્કાલિક દૂર કરી જવાબદાર અધિકારી સામે પગલાં ભરવાની માંગ
શહેરમાં નિયમો નેવે મૂકી થતા બાંધકામોના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તેવામાં છાણી જકાતનાકા ટીપી 13 વિસ્તારમાં પાર્કિંગની જગ્યામાં ચાર દુકાનો ઊભી થઈ જતા સામાજિક કાર્યકર્તાએ આ ગેરકાયદેસર દબાણો તાત્કાલિક તોડવા અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા ડે. મ્યુ. કમિશનને રજૂઆત કરી હતી.
સામાજિક કાર્યકર્તા જીતેન્દ્ર સોલંકીએ ડે. મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી કે, વોર્ડ નં. ૧ માં સમાવિષ્ટ છાણી જકાતનાકા પાસે કુમકુમ પાર્ટી પ્લોટની જગ્યામાં વર્ષ 2024માં પાર્કિંગના બહાને બાંધકામની શરૂઆત થઈ હતી. જે અંગે ટાઉન પ્લાનિંગ વિભાગમાં લેખિતમાં ફરિયાદ કરી હતી. બિલ્ડિંગ ઈન્સ્પેક્ટર ગૌતમ શર્માએ આ બાંધકામ ફક્ત પાર્કિંગ હોવાનું જણાવાયું હતું. પરંતુ થોડા જ સમયમાં અહીં કપડાંની દુકાન તેમજ અન્ય શોરૂમ કાર્યરત થઈ જતા ફરી ફરિયાદ કરતા કોર્પોરેશને સીલની કાર્યવાહી કરી હતી. પરંતુ, તે સીલ કોઈપણ પ્રકારની મંજૂરી વિના ખોલી નાખવામાં આવ્યું હતું. હાલ ઈલેક્ટ્રીક વાહનના શોરૂમ અહીં કાર્યરત છે. ચાલુ વર્ષે ફરી ફરિયાદના આધારે આ ત્રણ દુકાન સીલ કરી હોવા છતાં ગૌતમ શર્મા, પરિમલ પટેલ અને શૈલેષ પ્રજાપતિએ ફરી સીલ ખોલી નાખી દુકાનો શરૂ કરી હોય જેથી આ મામલાની ગંભીરતા ધ્યાને લઈ ગેરકાયદેસર બાંધકામ તોડી અને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પાર્ટી પ્લોટની પાર્કિંગની જગ્યામાં આ બાંધકામ થયું હોય તેમ જ બાજુમાં આવેલ હોટલ ખાતે પણ પાર્કિંગની વ્યવસ્થા ન હોય મુખ્ય માર્ગ ઉપર વાહનોપાર્ક થતા લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી થઈ રહી છે.