નવા વર્ષને આવકારવા પાર્ટીઓ થનાર હોવાથી સતત ચેકિંગ
સાધુ વાસવાણી રોડ અને હનુમાન મઢીથી રૈયા ચોકડી સુધીમાં ખાણીપીણીના ૪૦ ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરીને કાર્યવાહી
રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકાની ફૂડ શાખા આજે પણ અનેક સ્થળોએ ત્રાટકી હતી, જેમાં ખાદ્યપદાર્થીની ચકાસણી દરમિયાન ભારત બેકરી અને રામેશ્વર બેકર્સમાંથી કેક અને કુકીઝના ચાર સેમ્પલ લેવાયા લેવાયા હતા. જ્યારે સાધુ વાસવાણી રોડ અને હનુમાન મઢીથી રૈયા ચોકડી સુધીમાં ખાણીપીણીનાં ૪૦ ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરીને જરુરી કાર્યવાહી કરાઈ હતી.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યૂ વાને આજે સાધુ વાસવાણી રોડ તથા હનુમાન મઢી થી રૈયા ચોકડી વિસ્તારમાં ઠંડાપીણા, નમકીન, ખમણ, દવાઓ, ડેરી, ફરસાણ, અનાજ-કરીયાણું વગેરે ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૪૦ ધંધાર્થીઓને ત્યાં ખાણીપીણીની ચકાસણી કરી હતી. જેમાં ૬ ધંધાર્થીઓને ફૂડ લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. જ્યારે અન્ય ધંધાર્થીઓ પાસેથી ખાદ્યચીજોના કુલ ૩૫ નમૂના લઈને સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
બીજી તરફ આવતીકાલે થર્ટી ફર્સ્ટ અને બાદમાં નવા વર્ષને આવકારવા માટે કેક કર્ટીંગ સહિતની પાર્ટીઓ થતી હોવાથી આજે ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ ભીલવાસ ચોકમાં આવેલી ભારત બેકરીમાંથી કાજુ નાન કુકીઝ અને ચોકલેટ વેનીલા કેક ઉપરાંત લક્ષ્મીવાડી-૧૦માં આવેલી રામેશ્વર બેકર્સ એન્ડ કેક શોપમાંથી ગુલાબ જામ કુકીઝ અને સ્પે. ચોકલેટ કેકના ચાર સેમ્પલ લઈને પરિક્ષણ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.


