વડોદરામાં પૂરપ્રકોપઃજામ્બુવા બ્રિજ પર કાર ફસાતાં ચારનો બચાવઃમગરો વચ્ચે ફાયર બ્રિગેડે કાર કાઢીઃ ઢાઢરમાં પણ એક તણાયાે
વડોદરાઃ વડોદરા નજીકના ગામોમાં પૂરની સ્થિતિ વકરી રહી છે ત્યારે આજે માણેજા-જામ્બુવા બ્રિજ પરથી પસાર થતા વહેણમાં કાર ઉતારતાં ફસાયેલા ચાર જણાનો બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.તો બીજીતરફ નજીકના શાહપુર ગામે પણ ગણપતિ વિસર્જનમાંથી પરત ફરતા આધેડ તણાયા હોવાનો બનાવ બન્યો છે.
માણેજાથી જામ્બુવા વચ્ચેના બ્રિજ પર ફસાયેલી એક કારમાં ચાર જણા હોવાનો મેસેજ મળતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઇ હતી.આ વખતે બ્રિજ પરથી બે થી ત્રણ ફૂટ ઉપર પાણી વહી રહ્યું હતું અને ફસાયેલી કારની આસપાસ ચાર મગરો હતા.
દર્શન કોઠારી અને તેમની ટીમ બોટ લઇને ધસમસતા પ્રવાહમાં કાર સુધીપહોંચી હતી અને કાચ તોડી તપાસ કરતાં અંદર કોઇ મળી આવ્યું નહતું.નજીકમાં ભેગા થયેલા ગ્રામજનોએ ચારેય જણા બહાર નીકળી ગયા હોવાનું કહ્યું હતું.
આવી જ રીતે વડોદરા તાલુકાના શાહપુર ગામે ઢાઢર નદીનું પાણી રસ્તા પર થી વહી રહ્યું હોવાથી સંપર્ક કપાઇ ગયો છે.આ વખતે શ્રીજી વિસર્જન કરીને પરત ફરતા ધૂળા ભાઇ નામના એક ગ્રામજન તણાઇ ગયા હોવાનો મેસેજ મળતાં એસડીઆરએફની મદદ લેવામાં આવી છે.