Gujarat

ભાજપ કાઉન્સિલર સહિતના ચાર વ્યક્તિઓ અડચણ ઊભી ન કરે તે માટે સિટી પીઆઇને રજૂઆત

By GS TEAM
22 Jun 20252 mins read
ભાજપ કાઉન્સિલર સહિતના ચાર વ્યક્તિઓ  અડચણ ઊભી ન કરે તે માટે સિટી પીઆઇને રજૂઆત



શહેરમાં અશાંત ધારાના વિવાદિત કેસમાં હાઇકોર્ટે વડોદરા પોલીસને તાકીદે ઉકેલ લાવવા હુકમ કર્યો હોય જેના અનુસંધાને ફરિયાદીએ ભાજપ કાઉન્સિલર સહિતના ચાર આરોપીઓ  અડચણ ઊભી ન કરે અથવા કરાવે તે અંગે સિટી પીઆઇને અરજી કરી છે.

અશાંત ધારામાં સમાવિષ્ટ ફતેપુરા મેઈન રોડ પર ચાંપાનેર દરવાજા પાસેની ટીકા નં. ૧૮/૩, સર્વે નં. ૧૬૦ વાળી હિન્દુ સમુદાયના વ્યકિતની દુકાન ઓનાલી એઝાઝુદીન ઘોલકાવાલા (રહે - બદરી મહોલ્લો, વાડી) તથા ઈકબાલહુસૈન અસગરઅલી ટીનવાલા ( રહે - રામપાર્ક, આજવા રોડ )એ ખરીદયા બાદ પણ ભારે વિરોધ અને વિવાદના વમળ વચ્ચે હાઈકોર્ટમાં પણ તમામ તબક્કે જીત મેળવ્યા બાદ પણ આજે ૯ વર્ષ પછી પણ આ લઘુમતી વ્યકિતઓ પોતાની દુકાન ખોલી શક્યા નથી કે તેની રોજગારી શરૂ કરી શક્યા નથી. સ્થાનિક રહીશો અને આડોશ-પાડોશના વિરોધ અને તેને કોઇપણ ભોગે દુકાન નહી ખોલવા દેવાતાં આખરે આ લઘુમતી વ્યક્તિઓ ફરી હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડી હતી. જેમાં તેમણે દુકાન ખોલવા કે શરૂ નહી કરવા દેવામાં રોડા નાંખનાર અને અંતરાય પેદા કરનાર રાજેશ કાયશ પૌવાવાલા ,અજય કાયશ પૌવાવાલા, ભાજપના વોર્ડ નં. 14 ના કાઉન્સિલર સચિન પાટડીયા , પૂર્વ કાઉન્સિલર મિનેષ શાહ  તથા અન્ય ઈસમો વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી. જસ્ટિસ હસમુખ ડી.સુથારે મામલાની ગંભીરતા ધ્યાને લઈ અરજદારની ફરિયાદનું તાત્કાલિક નિવારણ લાવવા વડોદરા પોલીસને હુકમ કર્યો છે. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી એ રાજ્યની નૈતિક ફરજ છે. લઘુમતી કોમના વ્યક્તિઓએ તા.૨૩/૦૭/૨૦૨૪ ના રોજ સીટી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. હવે હાઇકોર્ટે કરેલા હુકમ બાદ તે અરજીના અનુસંધાને એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળે છે.