Get The App

થરાદની નર્મદા કેનાલમાં સામુહિક આપઘાત, એક જ પરિવારના 4 લોકોએ કેનાલમાં કૂદકો લગાવ્યો

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
થરાદની નર્મદા કેનાલમાં સામુહિક આપઘાત, એક જ પરિવારના 4 લોકોએ કેનાલમાં કૂદકો લગાવ્યો 1 - image

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થરાદથી આજે એક અત્યંત કરુણ અને ચકચારી ઘટના સામે આવી છે. થરાદના જમડા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં કૂદકો લગાવી એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પુરૂષ, બે મહિલા અને બે બાળકીના મોત નીપજ્યા છે. જમડા ગામ નજીક પુલ પાસેથી પસાર થતી મુખ્ય કેનાલ પાસેથી બાઈક, ચંપલ અને મોબાઈલ ફોન મળી આવ્યા છે. સામૂહિક હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ચારેય સભ્યો એક જ પરિવારના હતા, જેમાં પતિ, પત્ની, સાળી અને બાળકી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ થરાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કેનાલમાં ડૂબેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે ઘટનાસ્થળેથી મળી આવેલા ફોનમાંથી સીમ કાર્ડ કાઢી નાખવામાં આવ્યું હોવાથી કોલ ડિટેલ્સ મેળવવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. 

આ ઘટના પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ કેનાલમાં ડૂબેલા લોકોની ઓળખ અને આ ઘટના પાછળના કારણો જાણવા માટે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.