સોડવદર ગામની વાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સ ઝબ્બે

સુરતના શખ્સે દારૂ આપ્યો હોવાનું ખુલ્યું
વરતેજ પોલીસે વિદેશી દારૂ, ઈકો કાર તેમજ મોબાઈલ મળી કુલ રૂ.૭.૯૬ લાખનો મુદ્દામાલ કબજે લીધો
વરતેજ પોલીસ ગત મોડી રાત્રિના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, સોદાવદર ગામની સીમમાં આવેલ વાડીમાં ઈસમોએ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે અને દારૂની હેરાફેરી કરવાના છે. આ બાતમીના આધારે વરતેજ પોલીસે જાળીયા રોડ પર આવેલી વાડીમાં દરોડો પાડી વિદેશી દારૂની ૪૪૪ બોટલ કિં.રૂ. ૫,૭૭,૨૦૦ સાથે અજય ગોપાભાઈ ચૌહાણ (રહે. મૂળ વરલ,તા.સિહોર,હાલ ભાવનગર), વિક્રમ ઉર્ફે વિકો ભુપતભાઈ ચૌહાણ (રહે. સોડવદર), ગોપાલ ઉર્ફે ભોલો નટુભાઈ ચૌહાણ (રહે. સોડવદર) અને વિજય ભુપતભાઈ ચૌહાણ (રહે.ફુલસર, ભાવનગર) ને ઝડપી લીધા હતા. પોલીસે વિદેશી દારૂ, ઈકો કાર તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૭,૯૭,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વિદેશી દારૂનો જથ્થો સુરતના શખ્સે મોકલ્યો હોવાનું તેમજ ભાવનગરના બે શખ્સ ઈકો ગાડી લઈને દારૂ લેવા આવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ બનાવ સંદર્ભે પોલીસે પાંચ શખ્સ વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








