Get The App

નડિયાદ શહેરમાં કોરોનાના શંકાસ્પદ ચાર નવા કેસ : દર્દીઓ આઈસોલેટ

Updated: May 29th, 2025

GS TEAM

Google News
Google News
નડિયાદ શહેરમાં કોરોનાના શંકાસ્પદ ચાર નવા કેસ : દર્દીઓ આઈસોલેટ 1 - image

અગાઉના બાળકી સહિત ત્રણ દર્દીઓને રજા અપાઈ

સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ : ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં તકેદારીની સૂચના

નડિયાદ: નડિયાદમાં કોરોનાના શંકાસ્પદ ચાર નવા કેસ સામે આવ્યા છે. તમામ દર્દીઓને હાલ હોમ આઈસોલેટ કરાયા છે. તંત્રએ સર્વે સહિત સિવિલ હોસ્પિટલમાં કોરોના સબંધિત તૈયારીઓ શરૂ કરી છે. 

ખેડા જિલ્લામાં પણ કોરોનાએ માથું ઊંચકતા થોડા દિવસ પહેલા એક વર્ષની બાળકને કોરોના પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ બીજા બે વ્યક્તિઓ પણ આમાં સપડાયા હતા. જોકે આ ત્રણેય વ્યક્તિઓને સારું થઈ જતા તેમને રજા મળી ગઈ છે. નડિયાદમાં આજના નવા શંકાસ્પદ ૪ કેસ મામલે ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ધુ્રવે જણાવ્યું હતું કે, નડિયાદમાં શ્યામ સુંદર કણીપુરામાં વિશ્વનગર ફ્લેટ, પીજ રોડ યોગીરાજ એપાર્ટમેન્ટ, સિવિલ રોડ પર શિવાંગીની પાર્ક, એક્સપ્રેસ હાઈવે ડાકોર રોડ પર સંતરામ વિલા ખાતે રહેતા ચાર વ્યક્તિઓને કોરોનાના લક્ષણો દેખાયા છે. તેમના રિપોર્ટ લેબોટરીમાં મોકલ્યા છે. આવતીકાલે રિપોર્ટ આવી જશે પછી ખબર પડશે કે તેમને કોરોના કન્ફર્મ છે કે નહીં. 

જોકે હાલમાં આ બાબતને ગંભીર રાખીને લેવા પાત્ર તમામ પગલાંઓ લેવામાં આવ્યા છે. સર્વેની કામગીરી તેમજ તેમના સંપર્કમાં આવતા લોકોને પણ તપાસવામાં આવ્યા છે. ખેડા જિલ્લામાં આ કેસના અનુસંધાને અગમચેતીના ભાગરૂપે આરોગ્ય કર્મચારીઓની મદદથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પણ તકેદારી રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે નડિયાદ સિવિલ હોસ્પિટલ, ડાકોર અને ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના ટેસ્ટ કરાવવાની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.