Gujarat

કાર પાર્ક કરવાના મામલે પેટ્રોલ પંપ માલિક યુવાન પર ૪ શખ્સોનો હુમલો

By GS TEAM
12 Dec 20252 mins read
કાર પાર્ક કરવાના મામલે પેટ્રોલ પંપ માલિક યુવાન પર ૪ શખ્સોનો હુમલો

 ચિલોડાના પ્રમુખ લાઈટ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં

મારું નામ યશપાલ છે અને હું કોલવડાનો ડોન છુંકહી યુવાનને માર મારી કારના કાચ તોડયા

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડાના પ્રમુખ લાઈટ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં કાર મૂકવાના મુદ્દે પેટ્રોલ પંપ માલિક યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે હાલ ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા શખ્સોની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક આવેલા ડભોડા ગામમાં રહેતા અને ચિલોડા દહેગામ ચિલોડા રોડ ઉપર પેટ્રોલ પંપ ચલાવતા કલ્પ પ્રજ્ઞોશભાઈ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગત બુધવારના રોજ તે બપોરના સમયે તેની કાર લઈને ચિલોડા ખાતેની બેન્કમાં રૃપિયા જમા કરાવવા માટે ગયો હતો અને પ્રમુખ લાઈટ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પહોંચ્યો ત્યારે ત્યાં એક કાર ઉભી હતી. જે પાર્કિંગમાં અડચણરૃપ થતી હોવાથી કલ્પ દ્વારા ત્યાં ઉભેલા એક વ્યક્તિને કાર સાઈડમાં કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે આ વ્યક્તિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. આ દરમિયાન તે તેની કાર બહાર કાઢી રહ્યો હતો તે દરમિયાન અન્ય એક માણસ ત્યાં આવી ગયો હતો અને તેની સાથે ઝઘડો કરી થપ્પડ મારી દીધી હતી. આ શખ્સે તેનું નામ યશપાલ હોવાનું કહ્યું હતું અને હું કોલવડાનો ડોન છું તેમ કહીને બોલાચાલી કરી માર મારીને કારના કાચ પણ તોડી નાખ્યા હતા. આ બંને શખ્સો દ્વારા માર મારવામાં આવી રહ્યો હતો તે દરમિયાન અન્ય ત્રણ વ્યક્તિઓ પણ ત્યાં આવી ગયા હતા જેમણે કલ્પ ઉપર હુમલો કર્યો હતો. જોકે આ હુમલાની ઘટનાને પગલે તેના મિત્રો દોડી આવ્યા હતા અને તેને વધુ મારમાંથી બચાવી લીધો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની ફરિયાદના આધારે હાલ ચિલોડા પોલીસ દ્વારા યશપાલ સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.