જુની અદાવતના મનદુઃખમાં યુવક પર 4 શખ્સનો ધોકા-પાઇપ વડે હુમલો
વઢવાણ-મુળચંદ રોડ પરની ઘટના
આરોપીઓએ ધોકા-પાઇપ પગમાં મારતા ફ્રેક્ચર, મારી નાખવાની ધમકી આપતા ચાર સામે ફરિયાદ
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરના વઢવાણ-મુળચંદ રોડ પર એક શખ્સને ચાર શખ્સોએ મુંઢ માર મારી તેમજ ફ્રેકચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચાડતા ભોગ બનનાર યુવકના કાકાએ પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
લખતરમાં રહેતા પ્રવિણભાઈ લક્ષ્મણભાઈ પઢીયારનો ભત્રીજો રાકેશ રાજેશભાઈ પઢીયાર વઢવાણ-મુળચંદ રોડ પર બાઈક પર જઈ રહ્યો હતો. તે દરમ્યાન રોડ પર બાઈક લઈને ઉભેલા ચાર શખ્સો (૧) હર્ષદભાઈ રમણભાઈ સારલા (૨) મોનીલ વાણીયો તેમજ બે અજાણ્યા શખ્સોએ આજથી એકાદ વર્ષ પહેલા રાકેશને મોટરસાયકલ મુકવા બાબતે હર્ષદભાઈ સારલા સાથે થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી લાકડાનો ધોકો તેમજ લોંખડના પાઈપ વડે પગના ભાગે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાના ઈરાદે હુમલો કર્યો હતો. જે અંગે રાકેશના કાકા પ્રવિણભાઈ પઢીયાર (રહે.લખતર)એ સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસ મથકે (૧) હર્ષદભાઈ રમણલાલ સારલા (૨) મોનીલ વાણીયો (બંને રહે.વઢવાણ) તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો સહિત કુલ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.