રેસ્ટોરન્ટ માલિક પર હુમલો કરનારા ચાર શખ્સ જેલ હવાલે
બે કાર અને હથિયાર પોલીસે કબજે કર્યું
વડોદરા : સુભાનપુરા વિસ્તારમાં રેસ્ટોરન્ટ સંચાલક પર ખુની હુમલો કરવાના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીની પોલીસે ધરપકડ કર્યા બાદ આજે ચારે આરોપીને કોર્ટમાં રજૂ કરી ગોરવા પોલીસે છ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. અદાલતે પોલીસની રિમાન્ડ અરજી રદ કરી ચારે આરોપીને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે, આકાર કોમ્પલેક્સમાં રહેતા ગૌરાંગ પઢીયાર વાઘોડીયા રોડ પર
રેસ્ટોરન્ટ ધરાવે છે. તેમની રેસ્ટોરન્ટ પર કેટલાક શખ્સ જમાવા માટે ગયા હતા અને તે
સમયે એક શખ્સે ફરિયાદીને ફોન પર હું શક્તિ બોલું છું,તારો
માણસ જમવાનું આપતો નથી અને ખલાસ થઈ ગયું છે તેમ કહે છે.જો અમને જમવાનું નહીંં મળે
તો તને ઘેર આવીને મારીશું તેવી ધમકી આપી ગાળો આપી હતી.
ત્યાર બાદ આરોપીએ સરનામુ
માગતા ફરિયાદીએ સરનામુ આપ્યું હતું એટલે ત્રણથી ચાર શખ્સ કારમાં આવ્યા હતા અને
તેમણે ફરિયાદીને માર મારતા પોલીસે આ બનાવમાં શક્તિસિંહ વનરાજસિંહ રાણા,જતિન જેઠાભાઇ ધાગીયા,હેમેક્ષ રમેશ ભાઇ
હોદાર અને મનિષ શંકરલાલ યાદવની ધરપકડ કરી હતી. ગોરવા પીઆઇએ જણાવ્યું હતું કે,
આરોપીઓની બન્ને કાર કબજે કરવામાં આવી છે અને તેમની પાસેથી નાની છરી
પણ કબજે કરાઇ છે. આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડની માંગણી કરતા
જ્યુ.મેજિ.એ પોલીસની રિમાન્ડ અરજી રદ કરી હતી.