Get The App

બગદાણાના યુવક પર હુમલો કરનાર ચાર શખ્સ બે દિવસના રિમાન્ડ મંજૂર

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
બગદાણાના યુવક પર હુમલો કરનાર ચાર શખ્સ બે દિવસના રિમાન્ડ મંજૂર 1 - image

- પોલીસે મોડી રાત્રે આઠેય આરોપીઓને મહુવા કોર્ટમાં રજૂ કર્યાં હતા

- હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરવામાં આવ્યો, બાકીના ચાર આરોપીઓ જેલહવાલે

ભાવનગર : મહુવાના મોણપર ગામ નજીક બગદાણાના યુવક પર આઠ શખ્સોએ કરેલા જીવલેણ હુમલાના ચકચારી પ્રકરણમાં રાજકારણ ગરમાયું હતું. ગતરોજ આઠેય આરોપીઓને ઝડપી લઈ ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શન કરી તમામ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે ગત મોડી રાત્રે મહુવા કોર્ટમાં રજૂ કર્યાં હતા. કોર્ટે આઠ પૈકી ચાર આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા. જ્યારે અન્ય ચાર આરોપીઓને જેલહવાલે કરવા મહુવા કોર્ટે હુકમ કર્યો હતો.

મહુવા તાલુકાના મોણપર ગામ નજીક ચાર દિવસ પૂર્વે બગદાણા ગામના નવનીતભાઈ ડાહ્યાભાઈ બાલધિયા પર આઠ શખ્સોએ ધોકા અને પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. બનાવ અંગે બગદાણા પોલીસ મથકમાં અજાણ્યા આઠ શખ્સો સામે ગુનો નોંધાયા બાદ આ મામલે રાજકારણ ગરમાયું હતું. જે બાદ વિવાદ વકરતા આ કેસની તપાસકર્તા બગદાણાના પીઆઈની જિલ્લા પોલીસવડાએ તાત્કાલિક અસરથી બદલી કરી લીવ રિઝર્વ પર મુકી દેવાયા હતા અને સમગ્ર કેસની તપાસ મહુવા ટાઉન પીઆઈ પટેલને સોંપી દેવામાં આવી હતી. બીજી તરફ આ મામલે આ હુમલામાં સંડોવાયેલા નાજુ ઢીંગુ કામળીયા, રાજુ દેવાયતભાઈ ભંમર, આતુ ઓઘડભાઈ ભંમર, વિરેન્દ્રસિંહ જયરાજ પરમાર, સતીષ વિજયભાઈ વનાળીયા, ભાવેશ ભગવાનભાઈ છેલણા, પંકજ માવજીભાઈ મેર અને વિરૂ મધુભાઈ છેલડાને પોલીસે ગતરોજ ઝડપી લઈ ઘટનાનું ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શન કર્યાં બાદ આ કેસમાં હત્યાનો પ્રયાસની બીએનએસની કલમ ૧૦૯(૧)નો ઉમેરો કર્યાં બાદ આઠેય આરોપીઓના રિમાન્ડની માંગણી સાથે ગત રાત્રીના ૯.૩૦ કલાકના અરસામાં કોર્ટમાં રજૂ કર્યાં હતા અને કોર્ટે આ મામલે નાજુ ઢીંગુ કામળીયા, રાજુ દેવાયત ભમ્મર, વિરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર અને સન્ની ઉર્ફે સતીષ વિજયભાઈ વનાળીયાના તા.૩ સુધીના રિમાન્ડ મંજુર કર્યાં હતા. જ્યારે અન્ય ચાર આરોપીઓને જિલ્લા જેલહવાલે કરવા હુકમ કર્યો હતો.