બાપુનગરમાં છરા સાથે આવેલા શખ્સોનો આતંક: પુત્રોની નજર સામે જ પિતાને નિર્દયતાપૂર્વક ફટકાર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે. શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી એક ચાલીમાં જૂની અદાવત રાખીને કેટલાક શખ્સોએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. ઉત્તરાયણના પર્વ પૂર્વે પતંગ ચગાવી રહેલા યુવકોની નજર સામે જ તેમના પિતા પર હુમલો કરી, વાહનોમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી છે.
બાપુનગરના ગજાનંદ એસ્ટેટ સામે આવેલી રામદેવનગર ચાલીમાં રહેતા 60 વર્ષીય નિવૃત રામકિશોર વિક્રમસિંગ સીકરવારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રામકિશોરભાઈ પોતાના પરિવાર સાથે નિવૃત જીવન જીવી રહ્યા છે. ગત સાંજે જ્યારે તેઓ પોતાના ઘર પાસે હતા, ત્યારે તે જ વિસ્તારમાં રહેતા અતુલ ઉર્ફે ભોલુ નામના શખ્સે અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ સાથે મળીને રામકિશોરભાઈ પર હિંસક હુમલો કર્યો હતો. આરોપીઓએ વૃદ્ધને ગડદાપાટુંનો માર મારી જમીન પર પાડી દીધા હતા.
મળતી માહિતી મુજબ, આ હુમલા પાછળ આશરે છ મહિના પહેલા થયેલો એક ઝઘડો જવાબદાર છે. અગાઉ અતુલ ઉર્ફે ભોલુ સાથે થયેલી બોલાચાલીમાં સામસામી પોલીસ ફરિયાદ થઈ હતી, જેની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાના દિવસે રામકિશોરભાઈના બંને પુત્રો ઘરના ધાબા પર પતંગ ચગાવી રહ્યા હતા અને પત્ની બહાર બેઠા હતા, ત્યારે આરોપીઓ મટન કાપવાના છરા અને તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતા.
આરોપીઓએ હવામાં હથિયારો લહેરાવી ગાળાગાળી કરી હતી અને ઘર પાસે પાર્ક કરેલી બે મોટરસાઇકલ પર છરાના ઘા મારી અંદાજે 5,000નું નુકસાન કર્યું હતું. જોકે, પરિવારે ફોન કરતા પોલીસનો કાફલો સ્થળ પર આવતા જ હુમલાખોરો નાસી છૂટ્યા હતા.








