Get The App

કોલવડામાં કારમાં આવેલા ચાર શખ્સોએ ખેડૂત ઉપર હુમલો કર્યો

Updated: Aug 31st, 2025

GS TEAM

Google News
Google News
કોલવડામાં કારમાં આવેલા ચાર શખ્સોએ ખેડૂત ઉપર હુમલો કર્યો 1 - image


અગાઉની અદાવત રાખીને ગાંધીનગર નજીક આવેલા

ઘાયલ અવસ્થામાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઃ પેથાપુર પોલીસે ગુનો નોંધ્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડામાં અગાઉની અદાવત રાખીને ખેડૂત ઉપર કારમાં આવેલા ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે ઘાયલ ખેડૂતને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો આ સંદર્ભે પેથાપુર પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કોલવડા ગામમાં રહેતા પ્રવિણસિંહ દીવાનજી ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તે ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત શુક્રવારના રોજ તેઓ ઘરેથી રાત્રિના સમયે ગામની ભાગોળે ગયા હતા અને તેમના મિત્રની મોબાઇલની દુકાન બહાર રોટલા ઉપર બેઠા હતા તે દરમિયાન એક અજાણ્યા નંબરથી તેમના ઉપર ફોન આવ્યો હતો અને આ વ્યક્તિએ પોતાની ઓળખ જયદીપ ઉર્ફે ઉંધી પલાજી તરીકે આપી હતી અને ત્યાં જ બેસી રહેવા માટે કહ્યું હતું. આ દરમિયાન થોડીવાર પછી એક કાર તેમની નજીક આવી હતી અને જેમાંથી કોલવડા ગામના જયદીપ ઉર્ફે ઉંધી પલાજી, વિશાલસિંહ વાઘેલા અને અન્ય બે અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા. જયદીપના હાથમાં દાંતી હતી અને તેણે જૂની અદાવતને કારણે પ્રવિણસિંહ સાથે ગાળાગાળી શરૃ કરી હતી. જ્યારે પ્રવિણસિંહે તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે જયદીપે હુમલો કર્યો અને દાંતી વડે પ્રવિણસિંહના ડાબા હાથની હથેળી પર ઈજા પહોંચાડી હતી. જેના કારણે લોહી નીકળવા લાગ્યું હતું અને આ શખ્સો હવે પછી અમારી સામે આવીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને કાર લઈને નીકળી ગયા હતા ત્યારબાદ પ્રવિણસિંહને તેમના ભત્રીજા દ્વારા ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની ફરિયાદના આધારે આ ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

Tags :