વાવોલ ગામમાં હોટલ માલિક અને ઓળખીતા ઉપર ચાર શખ્સોનો હુમલો
ગામના વ્યક્તિઓને જમવાનું આપવાની ના પાડે છે કહી
પુત્રનું ઉપરાણું લઈને પહોંચેલા પિતાએ પણ છૂટી ઈટ મારી ઘાયલને સારવાર માટે ખસેડાયા ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : વાવોલ ગામમાં ખાણીપીણીનો ઓનલાઈન વ્યવસાય કરતા યુવાનને ત્યાં બે શખ્સો બુલેટ લઈને પહોંચ્યા હતા અને જમવાનું માગી ના પાડતા હુમલો કર્યો હતો ત્યારબાદ આ યુવાન અને તેના પિતા તેમજ અન્ય બે શખ્સો ત્યાં પહોંચ્યા હતા જેમણે હોટલ માલિક તેમજ તેમના ઓળખીતા ઉપર હુમલો કર્યો હતો.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે વાવોલ ખાતે
આવેલી બુર્જ મસ્તાના વસાહતમાં રહેતા અને વાવોલમાં આશા ડીલીસીયસ ફૂડ નામની ઓનલાઇન
ખાણીપીણીનો વ્યવસાય કરતા યુવાન સાફિન સાકીરભાઇ શેખ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી
હતી કે,
ગઈકાલે રાત્રે તે અને તેમના બે કારીગરો દુકાન ઉપર હાજર હતા તે સમયે
વાવોલ ગામમાં રહેતા ભગાજી ગોલનો દીકરો ભલી તેમજ તેની સાથે અન્ય એક શખ્સ બુલેટ લઈને
આવ્યા હતા અને તેને જમવાનું બનાવવાનું કહ્યું હતું. જો કે સાફીને અહીં ઓનલાઇન
ગ્રાહકો માટે જ જમવાનું બને છે અને બેસાડીને જમાળવાની કોઈ વ્યવસ્થા નથી અને આમ પણ
દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો છે. જેથી આ શખ્સોએ કહ્યું હતું કે ગામના વ્યક્તિઓને
જમવાનું આપવાની ના પાડે છે તેમ કહીને તેને તેમજ તેના કારીગરના લાફો મારી દીધો હતો.
જેના પગલે તે દુકાન બંધ કરીને જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન ભગાજી ગોલ તેમનો
દીકરો ભલી તેમજ અન્ય બે શખ્સો ત્યાં આવ્યા હતા અને તેની સાથે ઝઘડો કરવા લાગ્યા
હતા. આ દરમિયાન સાફીનની વસાહતમાં રહેતા ઉમરમિયા ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે
ઝઘડો ન કરવા સમજાવતા તેમના માથામાં ઈટ મારી દેવામાં આવી હતી અને આ ચાર શખ્સો
દ્વારા નીચે પાડી દઇ ગળદા પાટાનો માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન ઉંમરમિયાનો
પુત્ર ત્યાં આવી જતા તે બચાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. ત્યારબાદ આ
શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવતા બંને ઘાયલોને
સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જે મામલે સેક્ટર ૭ પોલીસે ચાર
શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.