સે-૨ના મકાનમાં ઘૂસેલા ચાર શખ્સો ૩.૩૭ લાખની મત્તા ચોરી ગયા
ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ યથાવત્
મકાન માલિકને મોડી રાત્રે અવાજ આવતા તપાસ કરી અને ઘરમાં ચોર હોવાનું લાગતા બુમાબૂમ કરી ઃ પોલીસની તપાસ
પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરીના
બનાવો વધી રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે શહેરના સેક્ટર ૨ ડીમાં વધુ એક મકાનમાં
ચોરીની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
સેક્ટર-૨ ડી, હરિપાર્ક
સોસાયટી, પ્લોટ
નંબર ૧૦૭૬/બી ખાતે રહેતા અને હીટાચી હાઈરલ પાવર ઈલેક્ટ્રોનિક્સ કંપની સાણંદ ખાતે
એસોસિયેટ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતા દિનેશભાઈ શંકરભાઈ ઠાકોર દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે, તેઓ
તેમના પરિવાર સાથે અહીં રહે છે. તેમની પત્ની બીનાબેન અને પુત્ર દર્શીલ ઠાકોર ૨૨
મેના રોજ તેમની પુત્રી દેવાંશી ઠાકોરને મળવા કેનેડા ગયા હોવાથી તેઓ હાલ એકલા જ
ઘરમાં રહેતા હતા. ગઈકાલે સાંજે તેઓ સાણંદથી ઘરે આવ્યા અને જમીને ઘરના મુખ્ય દરવાજા
અને બારી-બારણા બંધ કરી ઉપરના માળે આવેલા બેડરૃમમાં સુવા ગયા હતા. આ દરમિયાન મોડી
રાત્રે તેમને નીચેના માળેથી અવાજ આવતા તેઓ જાગી ગયા હતા અને બેડરૃમની બારીમાંથી
નીચે જોતા ઘરના મુખ્ય દરવાજાની જાળી ખુલ્લી હતી અને ઘરમાં માણસોના પડછાયા દેખાતા
હતા તેમને ઘરમાં ચોર ઘૂસ્યા હોવાનો અહેસાસ થયો હતો. ચોરો પાસે હથિયાર હોવાના ભયથી
દિનેશભાઈ નીચે ઉતર્યા ન હતા પરંતુ તેમણે પોતાના બેડરૃમની બારીમાંથી ચોર, ચોરની બૂમો પાડી
હતી. જેથી બે ચોર મુખ્ય દરવાજાથી ભાગી ગયા હતા જ્યારે અન્ય બે ચોર નીચેના માળની
ગેલેરીમાંથી બહાર નીકળ્યા હતા ત્યારબાદ તેમણે નીચે ઉતરીને તપાસ કરતા બેડરૃમમાં
સરસામાન વેરવિખેર પડયો હતો અને તિજોરીમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના અને રોકડ
રકમ મળીને ૩.૩૭ લાખની મત્તા ચોરાઈ હોવાનું જણાયું હતું. જેથી આ સંદર્ભે પોલીસને
જાણ કરવામાં આવતા સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૃ કરી હતી.