Get The App

મેટ્રોના કેબલ ચોરતા ખેકડા ગેંગના ચાર સાગરિતો પાંચ દિવસના રિમાન્ડ ઉપર

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
મેટ્રોના કેબલ ચોરતા ખેકડા ગેંગના ચાર સાગરિતો પાંચ દિવસના રિમાન્ડ ઉપર 1 - image


ગાંધીનગર પોલીસ દ્વારા પકડી લેવામાં આવેલા

ચોરવામાં આવતા કેબલ ક્યાં વેચતા અને અન્ય ૧૧ સાગરીતોની શોધખોળ માટે પૂછપરછ શરૃ કરવામાં આવી

ગાંધીનગર :  ગાંધીનગર એલસીબી દ્વારા ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ મેટ્રોના કેબલ ચોરી જતી આંતરરાજ્ય ખેકડા ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને તેના ચાર સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પાંચ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપવામાં આવ્યા છે.

ગાંધીનગર તેમજ અમદાવાદમાં છેલ્લા થોડા સમયમાં મેટ્રો રેલના કેબલ ચોરીની ઘટનાઓ વધી હતી ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમ દ્વારા કલોલમાંથી બાતમીના આધારે કેબલ ચોરી જતી આંતરરાજ્ય ખેકડા ગેંગના ચાર જેટલા આરોપીઓને ઝડપી લીધા હતા. જેમની પાસેથી બે કાર અને ચોરીમાં ગયેલા કેબલ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. આ આરોપીઓને પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, તે તેમના સાગરીતો સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો રેલ ઉપર કેબલ ચોરી જતા હતા. એટલું જ નહીં તેમની સાથે અન્ય ૧૧ જેટલા આરોપીઓ પણ સામેલ છે. ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દિલ્હી અને મહારાષ્ટ્રમાં પણ અલગ અલગ શહેરોમાં મેટ્રોના કેબલ ચોરીના ગુનાઓને અંજામ આપતા હતા. જેથી તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી જેમાં ઉત્તર પ્રદેશના ખેકડાના રહેવાસી મુશરફ ઈરશાદ મુલેજાટ,રાશીદ  ઈશાક ઈસ્માઈલ ધોબી,રાશીદ અબ્દુલઅઝીઝ શબ્બીર અંસારી અને ઇરશાદ મજીદ અલ્લામેહર મલીકનો સમાવેશ થાય છે. જે આરોપીઓને ઇન્ફોસિટી પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા હતા અને આજે તેમને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવતા પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ ઉપર આરોપીઓને સોંપવામાં આવ્યા હતા. જેથી પોલીસ દ્વારા આ ગુનાને લગતી વધુ માહિતી મેળવવા માટે તેમજ ચોરી લેવામાં આવતો મુદ્દામાલ કોને વેચવામાં આવતો હતો તે જાણવા તપાસ શરૃ કરવામાં આવી છે. એટલું જ નહીં આ ટોળકીના અન્ય ૧૧ જેટલા આરોપીઓ ક્યાં છુપાયા છે તે જાણવા માટે પણ મથામણ કરવામાં આવી રહી છે.

Tags :