જામજોધપુરમાં માલધારી પરિવારના ચાર વ્યક્તિઓ પર આઠ શખ્સો દ્વારા જીવલેણ હુમલો : એકની હાલત ગંભીર
Jamnagar Crime : જામજોધપુરના નાળીયેરીનેશ વિસ્તારમાં રહેતા માલધારી પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો, અને એક કુટુંબના ચાર સભ્યો ઉપર સામા જૂથના આઠ જેટલા શખ્સોએ લાકડી ધોકા વડે હુમલો કરી માથા ફાડી નાખ્યા હતા, જેમાં ઇજાગ્રસ્ત બનેલા ચાર પૈકી એકની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. ઇજાગ્રસ્ત પરિવારની એક મહિલા અને આરોપી વચ્ચેના અનૈતિક સંબંધોના મામલામાં આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં નારીયેલી વિસ્તારમાં રહેતા અને માલધારી તરીકેનો વ્યવસાય કરતા નારણભાઈ વાલાભાઈ ટાલિયા નામના 46 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના ડાયાભાઈ ઉપરાંત ભીમાભાઇ અને હરસુરભાઈ વગેરે ઉપર જીવલેણ હુમલો કરી મારી નાખવાના ઇરાદે લાકડીઓ વડે હુમલો કરી માથા ફોડી નાખવા અંગે નજીકમાં જ રહેતા બીજલ લાખાભાઈ ટાલીયા, સાજણ બીજલભાઇ ટાલીયા, કમલેશ આલસુરભાઈ ટાલીયા, આલસુર લાખાભાઈ ટાલીયા, પાલાભાઈ લાખાભાઈ ટાલીયા, દેવસુરભાઈ આલાભાઇ ટાલીયા, મૈસુર કારાભાઈ ટાલિયા, તેમજ આલસૂર માણસુરભાઈ ટાલીયા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી નારણભાઈના કાકાના દીકરા હરસુરભાઈ જીવાભાઇ ટાલિયાની પત્ની સોનલબેન ઉર્ફે સોનીબેન સાથે હુમલાખોર આરોપી દેવસુર સાથે અનૈતિક સંબંધો હોય અને બંને એકબીજાને મળતા હોય તે જોઈ જતાં આરોપી દેવસુરને ત્યાંથી વિસ્તાર છોડીને જતા રહેવાનું કહ્યું હતું. જેનું મનમાં લાગી આવતાં જેનો ખાર રાખીને આઠેય આરોપીઓ લાકડી ધોકા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા, અને એક જ પરિવારના ચારેય વ્યક્તિઓ પર મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી દીધો હતો. જેથી તમામને સૌ પ્રથમ જામજોધપુર અને વધુ ઇજા થઈ હોવાથી જામનગરની સરકારી જીજી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં ડાયાભાઈની હાલત અત્યંત નાજુક ગણાવાઇ રહી છે. સમગ્ર મામલે જામજોધપુરના પી.એસ.આઇ. એચ.બી. વડાવીયાએ જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે નાળિયેરી નેશ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત મૂકી દીધો છે.