Get The App

વાપીના જવેલર્સના શોરૂમમાં લૂંટ કરવાનો પ્લાન બનાવનારી ગેંગના ચાર સાગરિત પકડાયા

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
વાપીના જવેલર્સના શોરૂમમાં લૂંટ કરવાનો પ્લાન બનાવનારી ગેંગના ચાર સાગરિત પકડાયા 1 - image


Valsad Crime : વલસાડ જીલ્લા પોલીસે વાપીના જવેલર્સના શો-રૂમમાં લૂંટનો પ્લાન બનાવનારી ગેંગના ચાર સાગરિતની ધરપકડ કરી બે પિસ્તોલ, દેશી તમંચો, 10 જીવતા કારતૂસ, રોકડ, ધાતુ અને ચાંદીના દાગીના, મોબાઈલ, લેપટોપ, ઓટો રીક્ષા સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે. ચાર પૈકી ત્રણ આરોપી મધ્યપ્રદેશ પોલીસના હાથે પકડાયા બાદ પોલીસે કબજો લીધો હતો.

 વાપી વિસ્તારમાં નોંધાયેલા ત્રણ ચોરીના ગુના સંદર્ભે વાપી ટાઉન-ડુંગરા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફુટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો. જે દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસની ટીમે વાપીના ગીતાનગરમાં એક મકાનમાં છાપો માર્યો હતો. જે દરમિયાન હાથ ધરેલી તપાસ વેળા બે પિસ્તોલ અને એક દેશી તમંચો તથા 10 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે રીક્ષા ચાલક ગલાઉદ્દીન ઉર્ફે સલ્લુ અનવરઉદ્દીન ચિરતી (ઉ.વ.26, રહે. નારણભાઈની ચાલ, ગીતાનગર, વાપી)ની ધરપકડ કરી હતી.

આરોપીની પૂછપરછમાં અન્ય સાગરિતોના નામો ખુલતા પોલીસની ટીમ મધ્યપ્રદેશના મહેર રેલવે પોલીસ અધિકારીનો સંપર્ક કરી જાણકારી આપી હતી. રેલવે પોલીસે ટ્રેનમાંથી ગેંગના ત્રણ સાગરિત ગાઓસુજ્જામા ઉર્ફે ગ્યાસુદીન ઉર્ફે ગએશુ શામ સુજ્જામાં (ઉ.વ.38, રહે. ગોરેગાંવ, મુંબઈ), નૌસાદ સોયબખાન (ઉ.વ.38) અને મોહંમદ જાવેદ મોહંમદ સફસલ ખાન (ઉ.વ.23) (બંને રહે. ધૌરહરા, ઉત્તરપ્રદેશ)ને પકડી પાડયા હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપીનો કબજો લઈ વાપી લવાયા હતા. પોલીસે આરોપી પાસેથી ધાતુ-ચાંદીના દાગીના, સ્માર્ટ વોચ, મોબાઈલ નંગ 8, રોકડા રૂ.10862, લેપટોપ નંગ-1 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચારેય આરોપીના રિમાન્ડ દરમિયાન અન્ય ગુનાનો ભેદ ઉકેલાવાનો પોલીસે આશાવાદ વ્યક્ત કર્યો છે.

વાપીના જવેલર્સના શોરૂમમાં લૂંટ કરવાનો પ્લાન બનાવનારી ગેંગના ચાર સાગરિત પકડાયા 2 - image

વાપી ટાઉન અને ડુંગરાના ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો

પકડાયેલા આરોપીની પૂછપરછમાં અનેક ચોકાવનારી માહિતી બહાર આવી છે. આરોપીઓએ થોડા દિવસ અગાઉ વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલા હરી એપાર્ટમેન્ટના બે બંધ ફલેટમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી. જયારે વાપી ટાઉનના ગીતાનગરમાં આવેલા પરિશ્રમ બિલ્ડીંગમાં બંધ ફલેટમાંથી રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કર્યાની કબૂલાત કરી છે. આરોપીઓએ ત્રણ ગુનાનો કબૂલાત કરી છે.

પોલીસ પેટ્રોલિંગને લઈ લૂંટનો પ્લાન મુલતવી રાખ્યો

ચોરી-લૂંટ કરતી ગેંગના એક સાગરિત અને વાપીમાં છેલ્લા 15 વર્ષથી રીક્ષા ચલાવતા સલાઉદ્દીન ચિસ્તીએ મુંબઈના ગોરેગાંવ રહેતા ગાઓસુજ્જામાનો સંપર્ક કરી વાપી વિસ્તારમાં ચોરી, લૂંટ ગુનાનો અંજામ આપવા વાત કરી હતી. બાદમાં ગાઓસુજ્જામાં અન્ય બેસાગરિત સાથે ટ્રેન મારફતે વાપી ખાતે આવ્યા બાદ સલાઉદ્દીનના ઘરે રોકાયા હતા. વાપી ટાઉનમાં આવેલા જ્વલર્સના શો-રૂમમાં લૂંટનો પ્લાન બનાવી તા.21-8-25ના રોજ હથિયારો સાથે નીકળ્યા હતા. જો કે પોલીસનું સઘન પેટ્રોલિંગ જોઈ ચારેય આરોપીઓએ લૂંટનો પ્લાન મોકૂફ કર્યા બાદ ત્રણ ફલેટમાંથી ચોરી કરી હતી.

આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

પોલીસે ચોરી-લૂંટ કરતી ટોળકીના ચાર સાગરિતોની ધરપકડ કરાયા બાદ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું બહાર આવ્યું છે. ચાર પૈકી ગાઓસુજ્જામા સામે ઉત્તરપ્રદેશમાં એટ્રોસીટી, જાનથી મારી ન ખવાનો પ્રયાસ, આર્મ્સ એકટ, લૂટ સહિત 10 ગુના, નૌસાદ ખાન સામે યુ.પી. અને મહારાષ્ટ્રમાં હત્યા, ચોરી, આર્મ્સ એકટ, મારી નાંખવાના પ્રયાસના 11 ગુના તથા યુપીમાં ગેંગસ્ટર એકટ હેઠળ ગુનો નોંધાયો હતો. નૌસાદ ખાનને ગેંગસ્ટર એકટ અને અન્ય ગુનામાં વોન્ટેડ જાહેર કરાયો હતો.

Tags :