બોટાદમાં દુર્ઘટના : કાળુભાર નદીમાં નહાવા પડેલા રાજસ્થાનના ચાર શ્રમિકો ડૂબ્યા, બેના મોત
Death Due To Drowning In Botad: બોટાદથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ગઢડાના ચોસલા ગામમાં થઈને વહેતી કાળુભાર નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. માહિતી અનુસાર બેલનાથ મહાદેવ મંદિરની નજીકમાં વહેતી કાળુભાર નદીમાં ચાર યુવાનો નહાવા પડ્યા હતા. આ દરમિયાન પાણી ઊંડુ હોવાથી તેઓ ડૂબી ગયા હતા. જોકે આ દરમિયાન બે યુવાનોને હેમખેમ બચાવવામાં સફળતા મળી હતી પરંતુ અન્ય બે લોકો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.
ગઢડાના ચોસલા ગામની ઘટના
માહિતી અનુસાર બોટાદ જિલ્લાના ગઢડાના ચોસલા ગામ નજીક આ ઘટના બની હતી. જ્યાં રાજસ્થાનથી આવેલા ચાર યુવાનો જેઓ શ્રમિક તરીકે કામ કરતા હતા તેઓ ગરમીથી રાહત મેળવવા નદીમાં ન્હાવા કૂદી પડ્યા હતા. જોકે તેમને ડૂબતાં જોઈને કેટલાક લોકો તેમને બચાવવા માટે દોડી આવ્યા હતા. જેના કારણે બેને તો બચાવી લેવાયા પરંતુ અન્ય બે ડૂબી ગયા હતા. મૃત્યુ પામેલા બંને યુવકોની ઓળખ પવનસિંહ અને પૃથ્વી સિંહ તરીકે થઈ છે.
ચારેેય યુવાનો કડિયા કામ કરતા હતા
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક સક્રિય થયું હતું અને ડૂબેલા બંને વ્યક્તિઓને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર ચારેય યુવાનો રાજસ્થાનના સિકર જિલ્લાના વતની હતા અને ચોસલા ગામમાં કડિયા કામ કરતા હતા.