બરોડા મેડિકલ કોલેજની હોસ્ટેલની ચાર જર્જરિત બિલ્ડિંગ તોડી પડાશે
ચાર બિલ્ડિંગમાં રહેતા ૭૦૦ અને નવા સત્રના ૩૦૦ વિદ્યાર્થીઓની રહેવા માટેનો પ્રશ્ન ગૂંચવાયો
વડોદરા,બરોડા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલની ચાર બિલ્ડિંગ રહેવા માટે ભયજનક હોઇ તે બિલ્ડિંગોને ખાલી કરવા માટે તેમજ ડિમોલિશન માટેનો હુકમ થયો છે. જેના પરિણામે તેમાં રહેતા ૭૦૦ વિદ્યાર્થીઓની રહેવાની વ્યવસ્થા અન્યત્ર કરવી પડશે. તે ઉપરાંત નવા સત્રમાં આવતા અંદાજે ૩૦૦ વિદ્યાર્થીઓની રહેવાની વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
પ્રોજેક્ટ ઇમ્પલિમેન્ટેશન યુનિટના કાર્યપાલક એન્જિનિયરે બરોડા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની હોસ્ટેલની ચાર બિલ્ડિંગ બ્લોક સી, ડી,પી.જી.૧ અને પી.જી. ૨ ને રહેવા માટે ભયજનક જાહેર કરવામાં આવી છે. અગાઉ મૌખિક રીતે જાણ કરાઇ હતી. ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી તંત્ર કોઇ રિસ્ક લેવા તૈયાર નથી. ગત ૧૮ મી જુલાઇના રોજ આ અંગે બરોડા મેડિકલ કોલેજને આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી છે. આ ચારેય બિલ્ડિંગને તોડી પાડવાની મંજૂરી પણ સરકારમાંથી મળી ગઇ છે. હાલમાં આ ચાર બિલ્ડિંગમાં અંદાજે ૭૦૦ વિદ્યાર્થીઓ રહે છે. તેઓના રહેવા માટેનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.જે પૈકી ૨૫૦ વિદ્યાર્થીઓને વિશ્રામ સદનમાં રાખવાની યોજના વિચારણા હેઠળ છે. દર્દીઓના સગાઓને રહેવા માટે બનાવવામાં આવેલા વિશ્રામ સદનમાં વિદ્યાર્થીઓને રહેવા માટે મંજૂરી અપાઇ નથી. હેતુફેર થતો હોવાનું જણાવી વિદ્યાર્થીને ત્યાં રહેવા માટે મનાઇ ફરમાવવામાં આવી છે. જેથી, બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની રહેવાની વ્યવસ્થાનો પ્રશ્ન ગૂંચવાયો છે. તેવા સંજોગોમાં મેડિકલ કોલેજ દ્વારા પી.જી. હોસ્ટેલની વિચારણા થઇ રહી છે. જે અંગે સરકાર પાસે મંજૂરી માંગવામાં આવી છે. જોકે, હજીસુધી કોઇ મંજૂરી મળી નથી.
પાંચ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી પણ રહેવાની વ્યવસ્થા વધી નથી
વડોદરા,
છેલ્લા પાંચ વર્ષમાં એમ.બી.બી.એસ. ની બેઠકો ૧૮૦ થી વધીને ૨૫૦ થઇ ગઇ છે. તેવી જ રીતે ફિઝિયોથેરાપિની બેઠકો પણ ૪૦ થી વધીને ૧૨૫ થઇ છે. પાંચ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે, તેની સામે તેઓના રહેવાની વ્યવસ્થામાં વધારો થયો નથી. સરકાર દ્વારા બે નવી બિલ્ડિંગની મંજૂરી મળી છે. જેમાં ૪૦૦ વિદ્યાર્થીઓ રહી શકશે. પરંતુ, તે તૈયાર થતા બે વર્ષ જેટલો સમય થશે.
ચાર સ્થળે વિદ્યાર્થીઓના રહેવાની વ્યવસ્થાનો વિકલ્પ
વડોદરા,
બરોડા મેડિકલ કોલેજ પાસે કુલ ચાર વિકલ્પો વિદ્યાર્થીઓ માટે છે. (૧) વિશ્રામ સદન (૨) પ્રાઇવેટ બિલ્ડિંગ ભાડે લઇ પી.જી. હોસ્ટેલ બનાવવી (૩) વેક્સિન ઇન્સ્ટિટયૂટમાં આવેલી નર્સિંગ કોલેજ તથા (૪) એમ.એસ. યુનિવર્સિટીમાં આવેલી હોસ્ટેલ.